ભચાઉના મોટી ચીરઈ નજીકની કંપનીમાં પ્રાણવાયુ માટે એકબીજાના પ્રાણ લેવાનો પ્રયાસ

  • લ્યો હવે ઓક્સિજન લેવાની લાઈનમાં તકરાર થતાં ફાયરીંગ

ઓક્સિજન ભરાવાની લાઈન પહેલા નંબર માટે બે જુથો વચ્ચે ઘર્ષણ થતાં ૩ રાઉન્ડ ફાયરીંગઃબંદોબસ્તમાં રહેલી પોલીસે મામલો થાળે પાડી બન્ને પક્ષના પાંચ શખ્સો સામે નોંધ્યો ગુનો

ભચાઉ : તાલુકાના મોટી ચીરઈમાં પ્રાણવાયુ માટે પ્રાણ હરવાના થયેલા પ્રયાસને કારણે ચકચાર મચી ગઈ છે. ઓક્સિજન કંપનીમાં જથ્થો ભરાવા આવનાર બે જુથોની ગાડીઓમાં પહેલા ઓક્સિજન ભરાવા બાબતે થયેલી માથાકુટમાં ૩ રાઉન્ડ ફાયરીંગ થયું હતું. તો ધોકા ધારીયા સહિતના હથિયારો સાથે પ્રાણઘાતક હુમલાનો પ્રયાસ થયો હતો. બંદોબસ્તમાં રહેલી પોલીસ અને આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.ચકચારી બનાવ અંગે ભચાઉ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજાએ સરકાર તરફે બન્ને જુથના પાંચ શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. તેઓ મોટી ચીરઈમાં આવેલ અગ્રવાલ એન્ડ કંપનીના ગેટ પાસે ગત રાત્રે બંદોબસ્તમાં હતા ત્યારે કંપનીની અંદર ઓફીસ પાસે આ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં મોટી ચીરઈના રાજભા કાનજીભા જાડેજા, રામદેવસિંહ રઘુભા જાડેજા, શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. બન્ને પક્ષના આરોપીઓ આશાપુરા ટ્રેડર્સ ભુજની ગાડીઓ ઓક્સિજન ગેસ સિલિન્ડર ભરવા બાબતે વચ્ચે ગાડી ઉભી રાખ્યાના મનદુઃખે ઘર્ષણમાં ઉતર્યા હતા. જેમાં એક પક્ષે રાજભા કાનજીભા જાડેજાએ રીવોલ્વર સાથે આવી રામદેવસિંહ રઘુભા જાડેજાએ ધોકો અને એક અજાણ્યા શખ્સે ધારિયા સાથે આવીને તકરાર કરી હતી.સામા પક્ષે શિવરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાએ પણ ગેરકાયદેસર મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને તકરાર કરી હતી. રાજભાએ સામા પક્ષના આરોપીઓના લમણે રિવોલ્વર રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે આટલી જ વાર લાગશે તેવું કહીને જીવલેણ ધમકી આપી હતી.
બન્ને વચ્ચે ગાળાગાળી અને ધકબુશટની મારામારી પણ થઈ હતી. તો ધોકા અને ધારિયા વળે બન્ને પક્ષોએ એકબીજાની ગાડીને નુકશાન પણ પહોચાડ્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી રાજભાએ જમીનમાં ૩ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળીને ગેટ પર પોલીસ બંદોબસ્તમાં રહેલા ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજા દોડી ગયા હતા. તેમણે બન્ને પક્ષના માણસોને વચ્ચે પડીને છોડાવ્યા હતા. તેમની સાથે મોટી ચીરઈના સરપંચ હરપાલસિંહ નટુભા જાડેજાએ પણ એક પક્ષના સાગરીતોને પકડી રાખીને છોડાવ્યા હતા. બન્ને પક્ષોને છુટા પાડતા પોતપોતાની ગાડીઓ લઈને નાશી ગયા હતા. બનાવ અંગે ભચાઉના પીએસઆઈ પી.એન. ઝીઝુવાડીયાએ આ વિગતો કચ્છ ઉદયને જણાવી હતી. તેમજ ખુદ પોલીસે જ આ બનાવમાં ફરિયાદી બનીને બન્ને પક્ષના પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, પ્રાણવાયુ માટે પ્રાણ લેવાના થયેલા પ્રયાસની ઘટના ગંભીર છે. ઓક્સિજનની અછત વચ્ચે તેના માટે ફાયરીંગ થવા લાગ્યું છે તેનાથી કરૂણ પરિસ્થિતિ શું હોઈ શકે.

બંદોબસ્તમાં રહેલી પોલીસની સરાહનીય કામગીરી

ભચાઉ : હાલ કોરોના મહામારીને કારણે ઓક્સિજનની અછત છે ત્યારે ભચાઉમાં મોટી ચીરઈમાં અગ્રવાલ એન્ડ કંપનીમાંથી ગેસનું વિતરણ થઈ રહ્યું છે. આ કંપનીમાં વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કંપનીના ગેટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. દરમિયાન ગતરાત્રે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજાની શિફટ પુર્ણ થતી હતી અને રિલિવર તરીકે દિલીપભાઈ ચૌધરીને તેઓ ચાર્જ સોંપી જરૂરી સુચના આપતા હતા. દરમિયાન કંપનીની અંદર ઓફિસ પાસેથી ફાયરીંગનો અવાજ સંભળાતા પોલીસ તાબડતોબ અંદર દોડી ગઈ હતી. તે દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ ચાલતુ હતુ જેને પોલીસે સમયસર થાળે પાડ્યું હતું.

સરપંચ અને ફુડ એન્ડ ડ્રગ્સનો સ્ટાફ પણ હતો તૈનાત
ભચાઉ : તાલુકાના ચીરઈમાં બનેલી ઘટના વખતે વિતરણ વ્યવસ્થામાં સરપંચ અને ફુડ એન્ડ ડ્રગ્સનો સ્ટાફ પણ તૈનાત હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સરપંચ દ્વારા પણ સમગ્ર બબાલમાં મધ્યસ્થી કરીને મામલો વધુ વણસતા અટકાવાયો હતો તો કંપનીના સ્ટાફના માણસોએ પણ દોડી આવીને બન્ને જુથો વચ્ચે ચાલતા ઘર્ષણમાં વચ્ચે પડીને છોડાવાયા હતા.