ભચાઉના ભરૂડિયામાં શંકાશીલ પતિએ પત્નીને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરી

હત્યા નિપજાવી નાસી છૂટેલા આરોપી પતિને પોલીસે ગામના સીમાડામાંથી ઝડપી પાડ્યો

ભચાઉ : તાલુકાના ભરૂડિયામાં પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા સેવીને મોતને ઘાટ ઉતારી હતી. શંકાશીલ
પતિએ પત્નીને છરીના ઘા ઝીંકીને સળગતા ચુલામાં ફેંકીને મોતને ઘાટ ઉતારી હતી. બનાવને પગલે પોલીસે હત્યારા પતિને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે. મુંદરામાં બહેનના આડા સંબંધના મનદુઃખે તેના જ ભાઈએ બહેનની હત્યા નીપજાવ્યાની ઘટનાના પડઘા સમ્યા નથી ત્યાં ભચાઉના ભરૂડિયામાં પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા સેવીને મોતને ઘાટ ઉતરાતા ચકચાર મચી ગઈ છે. ભરુડિયા ગામે રવેચીનગરમાં રહેતા ગજરાબા સોઢાની તેના
પતિ હેતુભા જુજારસંગ સોઢાએ હત્યા નીપજાવી હતી. હતભાગી મહિલાનો પતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા-કુશંકા સેવીને મારકૂટ કરી ત્રાસ આપતો હતો. હતભાગી મહિલા તેના ૩ દીકરા અને ૨ દીકરીઓને જોઈ પતિનો ત્રાસ સહન કરતી હતી. દરમિયાન શંકાશીલ પતિએ મંગળવારની સાંજે ઘરના રસોડામાં તેની
પત્ની ગજરાબાને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. છરીના ઘા ઝીંક્યા બાદ પણ ઝનૂનપૂર્વક આરોપી હેતુભાએ તેની પત્નીને સળગતા ચુલામાં ફેંકી દીધી હતી. પત્નીની હત્યાને અંજામ આપીને આરોપી નાશી છુટ્યો હતો. ગ્રામજનોએ ગજરાબાની લાશને ભચાઉ સરકારી હોસ્પિટલે ખસેડી પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને નાશી છુટેલા હત્યારા પતિને ગામના સીમાડા ખુંદીને ઝડપી પાડ્યો હતો.