ગત સાંજે છએક વાગ્યે પરિવાર દેશમાં પહોંચ્યા બાદ રાત્રે નવેક વાગ્યાના અરસામાં બન્યો બનાવ : બુકાનીધારી બે શખ્સોએ એક યુવાનને બાંધી છરીથી ખરોચ મારી થયા પલાયન : ઘરમાંથી દાગીના સહિત રોકડ રકમ તફડાવાઈ : બનાવની જાણ લાકડીયા પોલીસને કરાતા હાથ ધરાઈ તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના નારાણસરી ગામે મુંબઈથી વતન આવેલા પરિવાર સાથે લૂંટનો બનાવ બન્યો હતો. બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ઘરમાં ઘૂસીને પરિવારના એક યુવાનના હાથ – પગ બાંધી તેને છરી વડે ખરોચ મારી છએક લાખનો મુદ્દામાલ તફડાવીને પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે લાકડીયા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ આદરી છે. જો કે, આ લખાય છે ત્યાં સુધી પોલીસ ચોપડે વિધિવત એફઆઈઆર નોંધાવવા પામી નથી.પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈમાં રહેતા નાનજીભાઈ પટેલે કચ્છઉદય સાથે ટેલીફોનીક વાતચીત કરીને વિગતો આપતા જણાવ્યું હતું કે, લૂંટનો ચકચારી બનાવ તેમના સસરા ગણેશાભાઈ મોમાયાભાઈ સાંઢાના ઘેર બન્યો હતો. સમગ્ર બનાવની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, તેમના સસરા, સાળા અને તેમના બે પુત્રો સહિતના પરિવારજનો મુંબઈથી દેશમાં નારાણસરી ગામે ગયા હતા. ગત સાંજે છ વાગ્યાના અરસામાં પોતાની ગાડીથી વતન પહોંચેલો પરિવાર રાત્રે જમ્યા બાદ મોટેરાઓ શેરીમાં અન્ય સ્વજનો અને પરિવારજનો સાથે બેઠા હતા, જયારે યુવાનો ઘરમાં અગાસી ઉપર હતા. દરમ્યાન ઘરમાં તાળા મારેલા ન હતા. માત્ર કડી મારી બધા વતનમાં આવ્યાના આનંદમાં હતા. તે દરમ્યાન બે અજાણ્યા ઈસમો બુકાની બાંધીને ગામની પાછળની સાઈડથી ઘરમાં પ્રવેશ્યા હતા. યોગાનુયોગ ઉપરના ટાંકામાં પાણી ભરવા માટે મોટર ચાલુ રખાઈ હતી, જેમાં નાનજીભાઈના પુત્ર અને ભોગગ્રસ્ત પરિવારનો ભાણેજ શુભમ ટાંકો છલકાતા નીચે મોટર બંધ કરવા માટે આવ્યો હતો, ત્યારે તેણે જોયું કે, ઘરના દરવાજાઓ ખુલ્લા છે તેણે તપાસ કરતા ઘરમાં બે બુકાનીધારી શખ્સો ખાંખા ખોડી કરતા હતા, આ યુવાન આવી જતા બન્ને શખ્સોએ તેને મોઢે રૂમાલનો ડુચ્ચો આપીને તેને બાંધી દીધો હતો અને છરી બતાવી ધાક ધમકી કરી હતી. પ્રતિકાર કરનાર યુવાનને છરીથી સામાન્ય ખરોચ પણ લાગી હતી. યુવાનને બનાવનો ખ્યાલ આવી જતા બન્ને શખ્સો જે હાથમાં લાગ્યું તે લૂંટીને નાસી છુટયા હતા. મળતી વિગતો મુજબ અંદાજે છએક લાખના દર-દાગીના અને રોકડ તસ્કરો તફડાવી ગયા હતા. બનાવ અંગે લાકડીયા પીએસઆઈ શ્રી પરમારનો સંપર્ક કરતા તેમણે બનાવને સમર્થન આપ્યું હતું. આ પ્રકારનો બનાવ બન્યો છે પરંતુ હજુ સુધી વિધિવત એફઆઈઆર નોંધાઈ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, નારાણસરી ગામમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જો કે તસ્કરો ગામના પછવાડેથી આવ્યા હતા. વાગડમાં હાલ અનેક મુંબઈગરાઓ માદરે વતન આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.