ભચાઉના ઘરાણા નજીકથી પોલીસે દેશી બંદુક સાથે બે શખ્સો ઝડપ્યા

0
25

બોલેરો જીપમાં પીધેલી હાલતમાં હથિયાર સાથે નિકળેલા શખ્સો શિકાર કે કોઈ અન્ય ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઝબ્બે : લાકડિયા પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો તળે નોંધ્યો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના ઘરાણા નજીક રેલવે ફાટક પાસેથી પોલીસે બે શખ્સોને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડયા હતા. બોલેરો જીપમાં નશામાં ધૂત બને શખ્સો શિકાર કે અન્ય કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ લાકડીયા પોલીસે બન્ને શખ્સોને દબોચી લઈ તેમના વિરૂદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ લાકડીયા પોલીસનો સ્ટાફ ઈન્ચાર્જ પીઆઈ વી. એલ. પરમારની રાહબરી તળે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ઘરાણા રેલવે ફાટક નજીકથી જી.જે.ર૩.એચ.ર૬૮ર નંબરની બોલેરો જીપમાંથી આરોપી વિક્રમભાઈ ભાટી (કોલી) (ઉ.વ.ર૬) તેમજ ધનજી બાબુલાલ કોલી (ઉ.વ.રર)ને ઝડપી પાડયા હતા. આરોપીઓ નશામાં ધૂત જોવા મળ્યા હતા, તેમજ તેમના કબજામાંથી પોલીસે વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક કિંમત રૂા. ૧૦ હજાર તેમજ બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂા. ૧૩ હજાર મળીને બોલેરો જીપ સહિત કુલ્લ ર,ર૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ નશાની હાલતમાં દેશી બંદુક સાથે નિકળીને શિકાર કે અન્ય કોઈ ઘટનાને અંજામ આપે તે પૂર્વે લાકડીયા પોલીસે બન્નેને દબોચી લીધા હતા. આરોપીઓ વિરૂદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. તેમજ બન્ને શખ્સો પીધેલી હાલતમાં મળી આવતા કલમ ૬૬-૧/બી વિરૂદ્ધ પણ બન્ને સામે અલગ અલગ ગુના નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.