સ્કૂલોની મંજૂરી વેળાએ રજૂ કરેલા દસ્તાવેજો માહિતીઓનું કરાઈ રહ્યું છે ક્રોસ વેરીફિકેશન : નિયત ચેક લિસ્ટ પ્રમાણે શાળાઓને ઈન્ડેક્ષ નંબર હેઠળ ર ફાઈલો આપવા આદેશ

 

 

(બ્યુરો દ્વારા) ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમને આધિન શાળાઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. શાળાઓ દ્વારા મંજૂરી મેળવવા માટે રજૂ કરાતા દસ્તાવેજો – માહિતીઓની સત્યતા સામે અનેક વખત પ્રશ્નાર્થ સર્જાઈ ચુકયા છે ત્યારે બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની તપાસનો આદેશ અપાયો હોઈ કચ્છમાં પણ તેનો ધમધમાટ આરંભાયો છે.

આ અંગેની વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વેરીફિકેશનના આદેશો આપવામાં આવ્યા છે.

આદેશ મુજબ સ્કૂલ રજીસ્ટ્રેશન ફોર્મની ઓનલાઈન પ્રિન્ટ, કામ ચલાઉ મંજૂરી, કાયમી નોંધણી પત્ર, શિક્ષણ વિભાગે કરેલ હુકમની નકલ, નામ ફેરફાર હોય તો તેના આધારો સ્થળ ફેરફાર હોય તો તેના આધારો, નોંધણી રદ્‌ની વિગતો, શાળાનું મેદાન સહિતની વિગતો ઈન્ડેક્ષ નંબર પ્રમાણે ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, બોર્ડના આદેશના પગલે ધો. ૯થી ૧રની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનું વેરીફિકેશન કરાવાનું છે. મંજૂરી મેળવતી વેળાએ શાળાએ રજુ કરેલ તમામ દસ્તાવેજો, દર્શાવેલ વિગતોની તપાસ થશે. નિયમ અને ચેક લિસ્ટ પ્રમાણે દરેક શાળાએ ઈન્ડેક્ષ નંબર દીઠ બે ફાઈલો રજૂ કરવાની રહેશે. ઉપરાંત જો કોઈ આધાર કે દસ્તાવેજ ઉપલબ્ધ નહીં હોય તો તે શાળાએ આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવું પડશે તેવું અંતમાં તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here