બેરોજગાર યુવકોને કમાવવાની લાલચ આપનાર બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ,તા.૧૭ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓનાં બેરોજગાર યુવકોને મહિને રૂપિયા ૨૫ હજાર સુધી કમાવવાની લાલચ આપતી જાહેરાતો આપીને કરોડો રૂપિયા પડાવનાર બે માસ્ટર માઈન્ડની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ફ્રેન્ડશીપ ક્લબના નામે મેમ્બરશીપના રજીસ્ટ્રેશન બહાને લોકો પાસેથી રૂપિયા બનાવીને છેતરપિંડી આચરતા હતા. આ બન્ને આરોપીઓએ વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સાયબર ક્રાઈમે આરોપી સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીઆ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ આપેલી જાહેરાતમાંથી જો કોઈ વ્યક્તિ તેમનો સંપર્ક કરે તો અલગ-અલગ સ્કીમો પ્રમાણે રૂપિયા પડાવતા હતા અને જે તે વ્યક્તિએ સારા ઘરની મહીલાઓને હોટલમાં લઇ જઇને તેમની ઈચ્છા પ્રમાણે સંતોષ આપવા માટે જણાવતા હતા. જેના બદલામાં આ લેડીઝ તેઓને રોકડા રૂપિયા અથવા તો ગિફ્ટ આપશે એવી લાલચ પણ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે ૧૧ મોબાઈલ, ૭ ડાયરી, ૧૯ એ ટી એમ કાર્ડ, ૫ આધાર કાર્ડ, ૫ પાન કાર્ડ, ૭ ચેક બુક અને ૫ પાસ બુક પણ કબ્જે કરી છે. પોલીસ એ કબ્જે કરેલ ડાયરીમાં આરોપીઓએ કરેલ છેતરપિંડીની હકીકતોનો પર્દાફાશ થયો છે.