બુઢારમોરામાં ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કરાતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરાઈ

 

મુંબઈ રહેતા ગામના વતનીની ખેતીની જમીન ગામના જ શખ્સે પચાવી પાડી : અંજાર પ્રાંતમાં ફરિયાદ કરવા છતાં દાદ ન મળતા કલેક્ટર સમક્ષ નખાઈ ધા

અંજાર : તાલુકાના બુઢારમોરા ગામમાં ખેતીની જમીન પર ગામના જ શખ્સે ગેરકાયદે કબ્જો મેળવી લેતા મૂળ ખાતેદાર દ્વારા કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ અંજાર પ્રાંત અધિકારીને ફરિયાદ કરવા છતાં કોઈ દાદ ન મળતા જિલ્લા કલેક્ટર સમક્ષ ધા નખાઈ છે.આ અંગેની વિગતો મુજબ અંજાર તાલુકાના બુઢારમોરા ગામે પમા રવા હરજી સથવારાના નામે સર્વે નં.૩૬૦/ર વાળી પાંચ એકર જમીન નવી શરતે મંજૂર થઈ હતી. બાદમાં નોંધ નંબર પ૯રથી આ જમીન રામાબેન પ્રેમજી સથવારાના નામે વારસાઈમાં દાખલ થઈ હતી. અરજદાર નારાયણ પ્રેમજી પટેલ સથવારાએ રજૂઆતમાં કહ્યું છે કે, આ જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા ગત તા.ર૧-૬-ર૦૦૭ના અરજી કરાઈ હતી. માતાના રામાબેનના અવસાન બાદ આ જમીન ર૦૧૮માં રેકર્ડ પર નારાયણ પ્રેમજી સથવારા અને મધુબેન પ્રેમજી સથવારાના નામે સંયુક્ત રીતે દાખલ થઈ હતી. જમીનના માલિક નારાયણભાઈ હાલમાં પરિવાર સાથે મુંબઈમાં રહે છે. જોકે, ગામમાં આવેલી તેમની જમીન પર પ્રતિવાદી લાલજી મોહન સથવારાએ ગેરકાયદે રીતે કબ્જો કરી પિયત જમીનમાં વાવેતર કરી રહ્યો છે. મૂળ અરજદાર નારાયણ પટેલે આરોપીને કહ્યું કે, મારી જમીનનો કબ્જો અમને પરત આપી દો, પરંતુ આરોપીઓ ધમકી આપી કહે છે કે તમે જાવ, તમારી જમીન તમે શોધી લ્યો. વિસ્તૃતમાં અરજદાર જણાવે છે કે, તેઓના માતાએ કહ્યું હતું કે, આપણી જમીન બુઢારમોરા ગામમાં ઢુવાવાળું ખેતર છે, તે ગુંસાઈ લક્ષ્મણગર મંગલગરની બાજુમાં આવેલું છે. અરજદાર જ્યારે ગામમાં ગયા ત્યારે ગુંસાઈ લક્ષ્મણગરનું ખેતર ચકાસતા એ દસ્તાવેજ નાનુબેન મોહન સથવારા અને વાલજી મોહન સથવારાના નામે બનેલ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાબતે નાનુબેનના પુત્ર લાલજી મોહન સથવારાને પૂછતા કે તમારૂં ઢુવાવાળું ખેતર ક્યાં છે ? તો તેમણે કહ્યું કે તમારૂં ખેતર ક્યાં છે તે અમને ખબર નથી. તમે જાવ અને શોધી લ્યો. જમીન બાબતે ફરિયાદી રૂપશી સાકરચંદ ઠક્કર દ્વારા ફેબ્રુઆરી ર૦ર૧માં આરોપી મોહનલાલ વીરાભાઈ સથવારા વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક અંતર્ગત અરજી કરાતા કલેક્ટર કચેરીમાં સુનાવણી કરાઈ હતી. આ સુનાવણીમાં જમીનનો કબ્જો ગેરકાયદે રીતે પડાવી લીધો હોવાની હકીકત રજૂ કરાતા અંજાર પ્રાંત અધિકારીએ ધમકી આપી આરોપીને છાવરતા જિલ્લા કલેક્ટરને સ્વતંત્ર ફરિયાદ કરાઈ છે. અરજદાર નારાયણ પ્રેમજી પટેલ સથવારાએ પોતાની ખેતીની જમીન કિંમત રૂા.૯.૧૦ લાખ આરોપી લાલજી મોહન વીરા સથવારાએ પડાવી લીધી હોવાનો આક્ષેપ કરી આરોપી સામે લેન્ડગ્રેબિંગ તળે પગલાં લેવા માંગણી કરી છે.