બીજી લહેરમાં આરોગ્ય તંત્રના ૧૦ કર્મીઓ સંક્રમીત : ૨ મોતને ભેટ્યા

સરકારી કર્મચારીઓ પોતે કોરોના સક્રમિત બન્યા તેની સાથે તેના પરિવાર પણ આ મહામારીનો ભોગ બન્યો છે

ભુજ : કચ્છઉદય દ્વારા વિવિધ તંત્રના કર્મયોગીઓ કેટલા પ્રમાણમાં સંક્રમીત થયા તે જાણવા પ્રયાસ કરાયો હતો. જેમાં ચોંકાવનારી બાબત એ જાણવા મળી કે, સતત કોરોના ગ્રસ્ત લોકો સાથે તેમની સેવામાં રહેતા આરોગ્ય કર્મીઓમાં જ ઓછું સંક્રમણ જોવા મળ્યું. જી…હા આપને નવાઈ લાગશે કે બીજી લહેરમાં માત્ર ૧૦ જ આરોગ્ય કર્મીઓ સંક્રમીત બન્યા છે અને રનું મોત નીપજ્યું છે. કચ્છઉદયમાં અગાઉ પોલીસ, રેલવે, એસ.ટી., વીજ કર્મીઓમાં ફેલાયેલા સંક્રમણનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેમાં પોલીસ ખાતામાં હજુ સુધી સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. તો આરોગ્ય તંત્રમાં ઓછું સંક્રમણ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઠકના જણાવ્યા પ્રમાણે બીજી લહેરમાં આરોગ્ય વિભાગના ૧૦ કર્મચારીઓ જ સંક્રમીત બન્યા છે. જ્યારે ફતેહગઢના એક ડોકટર અને ભચાઉની એક મહિલા કર્મીનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. આપણને જાણીને નવાઈ થાય કે, સતત બીમાર લોકો વચ્ચે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને ઓછા પ્રમાણમાં ચેપ કેમ લાગ્યો…? તો જણાવી દઈએ કે, ડો. માઠકના કહેવા મુજબ આરોગ્ય કર્મચારીઓ આ મહામારીથી સારી રીતે વાકેફ છે અને તેઓ પૂરતી તકેદારી રાખે છે. આ ઉપરાંત તમામ આરોગ્ય કર્મીઓને અગાઉથી જ રસીના બે-બે ડોઝ આપી દેવાયા છે. તેથી તેઓમાં સંક્રમણનું પ્રમાણ ઓછું છે. ત્યારે લોકોને પણ આરોગ્ય કર્મીઓમાંથી શીખ લેવી ઘટે. જો આપણે તકેદારી રાખીશું તો ચેપ લાગવાનો શકયતા નહિવત છે.

જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના ૪ ઈજનેર સહિતના કર્મીઓ સંક્રમિત

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા હસ્તકની જિલ્લામાં આવેલી તાલુકાકક્ષાની કચેરીઓમાં મળીને અનેક કર્મચારી-અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ધ્યાને આવ્યું છે. મળેલી વિગતો મુજબ બાંધકામ શાખાના ૪ ઈજનેર સહિતના કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ કોરોના સંક્રમિત બન્યા છે. બાધકામ શાખાના કર્મચારીઓને પણ કોરોના અંગેની કામગીરી સોંપાઈ હતી. બાધકામની મોટાભાગની કામગીરી સ્થગિત છે ત્યારે કોરોનાની કામગીરીમાં સટાફ જોડાયો હતો. જેમાં હાલની પરિસ્થિતિમાં અધિકારી કર્મચારીઓ સંક્રમિત બન્યા હતા.