બીએપીએસ મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને રર મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયુંુ

આ ઓક્સિજન સિલિન્ડર થકી  રપ૦૦ સિલિન્ડરનું થઈ શકશે રિફીલીંગ

ભુજ : કોરોનાકાળમાં મદદ માટે સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ જુથની સાથે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ત્યારે ભુજ બીએપીએસ મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને રર મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર સેવા માટે અર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા મંદિર પ્રશાસનનો આ સેવા બદલ આભાર મનાયો હતો.

પ્રમુખ સ્વામી મહારાજના આશિર્વાદ અને ગુરૂ હરી મહંત સ્વામીની પ્રેરણાથી અબુધાબીમાં બીએપીએસનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. કોરોનાની સ્થિતિમાં યુએઈથી બીએપીએસ સંસ્થા દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઓક્સિજનના સિલિન્ડર આપવામાં આવ્યા છે. અત્યાર સુધી જામનગર, મોરબી, પાટણ, પાલનપુર સહિતના વિસ્તારોમાં સેવા માટે પ્રાણવાયુના સીલીન્ડર અપાયા છે. સરકારની સૂચના પ્રમાણે ભુજમાં પણ મંદિર દ્વારા હોસ્પિટલોને ઓક્સિજનના સિલીન્ડર, કોન્સન્ટેટર સહિતના સાધનો અપાયા છે. ત્યારે આજે બીએપીએસ મંદિર દ્વારા રર મેટ્રીક ટન ઓક્સિજન ભરેલું સિલિન્ડર જી.કે. જનરલ હોસ્પિટલને અપાયું હોવાનું કોઠારી સ્વામી વિવેકમંગલદાસજી, સ્વામી આનંદપુરૂષદાસજીએ કહ્યું હતું. તો ભુજ સુધરાઈના અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરે ભુજ વાસીઓ વતી સંસ્થાનો આભાર માનતા કહ્યું કે, ભૂકંપ સમય પણ સંસ્થાએ કચ્છને ઘણી મદદ કરી છે. આ ટેન્કર થકી રપ૦૦ સિલિન્ડર ભરી શકાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, હોસ્પિટલના ડો. ભાદરકા, ભાવેશ પટેલ સહિતના હાજર રહ્યા હતા.