બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું કોરોનાના કારણે થયું અવસાન

(જી.એન.એસ)પટના,બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સારવાર અંતર્ગત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના અવસાનને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. અગાઉ સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું.૧૯૮૫ની બેચના આઈએએસ અધિકારી રહી ચુકેલા અરૂણ કુમાર સિંહ મુખ્ય સચિવ બન્યા તે પહેલા બિહારના વિકાસ અધિકારી હતા. આ વર્ષે જ તેઓ મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ પામ્યા હતા. ૧૫ એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને પટના ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.કેબિનેટની બેઠક દરમિયાન મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહના અવસાનના સમાચાર જાણીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેબિનેટના સદસ્યોએ શોક વ્યક્ત કર્યો હતો. બિહારમાં અત્યાર સુધીમાં અનેક અધિકારીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.