બાંડિયારાના સીમાડામાં મોરના મોતનો સિલસિલો જારી

પવનચક્કીના વાયરમાં અટવાઈ જવાથી વધુ એક મોરના પ્રાણ પંખેરૂં ઉડ્યા

નખત્રાણા : તાલુકાના બાંડિયારા ગામના સીમાડામાં મોરના મોતનો સીલસીલો હજુ પણ જારી રહ્યો છે તેવામાં આજે સવારે ગામના દક્ષિણ સીમાડામાં પવનચક્કીના વાયરમાં અટવાઈ જતાં મોર મોતને ભેટ્યો હતો. જિલ્લામાં પશ્ચિમ કચ્છમાં અવાર નવાર પવનચક્કી અને વીજ વાયરની અડફેટે આવી જવાથી પક્ષીઓના મોતની ઘટના બનતી હોય છે. ત્યારે નખત્રાણાના બાંડિયારા ગામે વધુ એક બનાવ બનતા પક્ષી પ્રેમીઓમાં અરેરાટી છવાઈ છે. આજે સવારે બાંડિયારા ગામના દક્ષિણ સીમાડામાં આ ગોજારી ઘટના ઘટી હતી, જેમાં પવનચક્કીના વાયરમાં અટવાઈ જવાથી મોરનું કરૂણ મોત થયું હતું. અનેક વખત જવાબદારોને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે આવી ઘટનાઓ સતત બનતી રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે તેવું ગામના મામદ સંઘારે જણાવ્યું હતું.