બાંગ્લાદેશથી ગેરકાયદે ઘુસણખોરી કરનાર દંપતિ આદિપુરથી ઝડપાયું

ફોરેનર્સ એકટની કલમો મુજબ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ : બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી આદિપુરમાં વસવાટ કરનાર દંપતિને પોલીસે ઝડપી ફોરેનર્સ એકટની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.એસઓજી પીઆઈ ડી.બી. પરમારે આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બાંગ્લાદેશમાંથી વગર પાસપોર્ટ વિઝાએ ગેરકાયદેરીતે આ દંપતિએ ભારતમાં ઘુસણખોરી કરી હતી. અને આદિપુરમાં નવી પંદરવાડી વિસ્તારમાં રહેતા હતા. જેથી પોલીસે મૂળ બાંગ્લાદેશના નોડાઈ જિલ્લાના લશ્કરપુર ગામના મહંમદઅલામીન મહંમદશુકુર શેખ તેમજ પત્ની કે જે રોગુનાથપુર ગામની રહેવાસી છે. તે રોની ઉર્ફે પ્રિયાને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવવા સબબ ઝડપી પાડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બંને આરોપીઓ મહારાષ્ટ્રના થાણેમાં રહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે તેઓ પાસેથી ત્રણ મોબાઈલ અને બેંકનું કાર્ડ તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કબ્જે કરી આદિપુર પોલીસમાં ફોરેનર્સ એકટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે.