બહુમાળી ભવનમાં ફાયરના સાધનો હોવા છતાં આગ બૂઝાવવામાં કામ ન લાગ્યા

કચેરીમાં ઠેર – ઠેર પથરાઈ ગયેલા કચરાના ઢગલામાં બુધવારે બપોરે આગનો બનાવ : કટાઈ ગયેલા ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની રહેતા ફાયર બ્રિગેડની ટીમે આરટીઓથી આવી આગ બૂઝાવી : મોકડ્રીલના નાટક પણ થયા ફેલ

ભુજ : શહેર આવેલી બહુમાળી ભવન સરકારી કચેરીમાં અવાર નવાર મોકડ્રીલના તાયફા યોજવામાં આવે છે. તેમજ આ કચેરીમાં છેક સુધી ફાયરની પાઈપલાઈનો પણ ગોઠવાયેલી છે, પરંતુ સાધનો ઉપયોગના અભાવે કટાઈ ગયા છે. જેના કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડના સાધનો માત્ર પાઈપ જ હોય તેવો અહેસાસ થાય છે. બુધવારે પણ આવી જ ઘટના બની હતી, જેમાં બપોરના ભાગે આગ લાગી પરંતુ લાલ પાઈપો કામ ન લાગતા ભુજ નગરપાલિકાની ટીમે સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બહુમાળી ભવનમાં કચેરીમાં તો સમસ્યાઓની ભરમાર છે, પરંતુ પરિસરમાં અને પાછળના ભાગે કચરા ગંજ ખડકાયેલા જોવા મળી છે, જે અંગે વારંવાર માધ્યમોમાં અહેવાલો ઉજાગર થઈ ગયા છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગને આ કચેરી ધ્યાનમાં નથી આવતી પરિણામે અવ્યવસ્થા વધી રહી છે.
બુધવારે બહુમાળી ભવનના પાછળના ભાગે આવેલા કચરામાં આગ લાગી હતી. પોણા પાંચ વાગ્યે લાગેલી આગ અડધો કલાક બાદ એટલે કે સવા પાંચે કાબૂમાં મેળવાઈ હતી. જે સ્થળે આગ લાગી તેની સાવ બાજુમાં ફાયરના પાઈપો જોવા મળે છે, પરંતુ આ પાઈપો કાટ ખાઈ ગયેલ હોવાથી કામ લાગી શકયા ન હતા. હવે તો ઉપરા છાપરી ઘટનાઓ પણ બની ચુકી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ કચેરીને લાગેલુ ગ્રહણ દૂર કરે તે જરૂરી છે.