બન્નીમાં ખૂદ માલધારી સંગઠનના હોદ્દેદારોના ગેરકાયદે વાડા હટશે..?

દધ્ધર ગામમાં વાડા મામલતદારે હટાવ્યા તો છેક દિલ્હી સુધી જવાની જરૂર કેમ પડી? : બન્નીમાં ફાટીને ધુમાડે ચડેલા શીરજાેર તત્ત્વોના દબાણ હટાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે ઃ રાજકીય વગ ધરાવતા દબાણકારોના વાડાઓ પર બુલડોઝર ફરશે કે માત્ર એનજીટીના આદેશને કાગળ સમજી ઘોળીને પી જવાશે ? ઉઠતા વેધક સવાલો

ભુજ :  ખૂલ્લા ચરીયાણ વિસ્તાર એવા બન્નીમાં આગામી ૬ મહીના પહેલાં તમામ ગેરકાયદે વાડા દૂર કરવાનો આદેશ આવતાં માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા તેને વધાવી રહ્યા છે, પરંતુ આમ માલધારીઓના મનમાં સવાલ ઉભો થાય છે કે શું માલધારી સંગઠનના હોદ્દેદારો દ્વારા કરાયેલા દબાણ પણ હટશે..? લોકોમાં ચર્ચાનો વિષય બનેલા માલધારી સંગઠનના હોદ્દેદારોના વાડા તંત્ર દ્વારા હટાવવામાં આવશે, ત્યારે બન્નીના બની બેઠેલા મસીહાઓના ચહેરા પરથી નકાબ ઉતરી જશે. કારણ કે સૌથી વધુ દબાણ ખૂદ માલધારી આગેવાનો દ્વારા જ કરાયું છે તેવા આક્ષેપો કરાયા છે.

બન્નીમાં માલધારી સંગઠન સાથે જાેડાયેલા અમૂક રાજકીય આગેવાનો સત્તાપક્ષ સાથે સંબંધોનો ઉપયોગ કરી હજારો એકર જમીનમાં દબાણ કરી વહિવટીતંત્ર અને બન્નીની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. બન્નીના એક એક ગામમાં માલધારી સંગઠન સાથે જાેડાયેલા હોદેદારો ગેરકાયદે વાડા ધરાવે છે. એક વાડાની ઉપજ ૨૦થી ૨૫ લાખ જેટલી થાય છે. આ ગેરકાયદે કમાણીથી ફાટીને ધૂમાડે ગયેલા ભ્રષ્ટ અધિકારીઓ એનજીટીના આદેશનો અમલ કરશે ત્યારે ગેરકાનૂની વાડાઓ મુદ્દે વારંવાર આવેદન પત્ર આપનાર માલધારી સંગઠનના હોદ્દેદારોના વાડા તંત્ર દ્વારા કેટલા હટાવાય છે, એ જાેવા જેવી બાબત છે. માલધારી સંગઠનની વાત કરીએ તો એકાદ આગેવાનને બાદ કરતાં મોટાભાગના હોદ્દેદારો ગેરકાયદે વાડાની તગડી કમાણી કરે છે બીજી તરફ ગેરકાયદે વાડા હટાવવા આવેદન પત્રો આપવાનો દેખાડો કરવામાં આવે છે.

એનજીટીના આદેશમાં ટાંકેલી વિગતોમાં સરકાર તરફે દધ્ધર ગામના ૮૫ એકરમાં વાડા દૂર કરાયા હોવાની વિગતો અપાઈ છે. વાડાઓ દૂર કરવા એકમાત્ર મોટી દધ્ધરમાં ૨૦૧૯માં કાર્યવાહી થઈ છે. આ કાર્યવાહી પણ માલધારી સંગઠનના હોદ્દેદારો ઈચ્છતાં ન હતાં, પરંતું ગામના આંતરિક ડખ્ખા વચ્ચે મૂળ મોટી દધ્ધરના અને હાલ ગામ બહાર રહેતા કેટલાક લોકોની હિંમત ભરી રજૂઆતોના કારણે દબાણો હટાવવા શક્ય બન્યાં છે, જેમાં માલધારી સંગઠન કે કોઈ સંસ્થાની ભૂમિકા નહીંવત હોવાની કેફીયત જાણવા મળી રહી છે. પ્રશ્ન ઉભો થાયે છે વાડા મામલતદારએ હટાવી દીધા તો પછી છેક દિલ્હી સુધી એનજીટીમાં જવાની જરૂર કેમ પડી? મોટી દધ્ધરના વાડા દૂર થતાં હોય તો અન્ય ગામોમાં કેમ કોઈ હિંમત કરીને આગળ ન આવ્યું..? એ પણ સવાલ ઉઠી રહ્યો છે. ખરેખર તો દધ્ધરના વાડા હટાવ્યા બાદ માલધારી સંગઠન દ્વારા જ કાર્યવાહી પર બ્રેક લગાવાયો હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. હવે, જાેવાનું એ રહ્યું કે છે મહીનામાં દૂર થનાર અતિક્રમણ બન્નીના માલધારીઓનું હતું કે કથિત આગેવાનોનું..?? એનજીટીના આદેશ બાદ એ હકીકત પણ હવે છૂપી નહીં રહે તેવું ચોરે ને ચોટે ચર્ચાઈ રહ્યું છે.

બન્નીમાં દબાણ બાબતે નવા લેન્ડ ગ્રેબીંગ એકટનો ઉપયોગ કેમ નહીં ?

રક્ષિત વિસ્તારોમાં ગેરકાયદે દબાણ બાબતે તંત્ર ખુદ કેમ ન બને ફરિયાદી ? અવારનવાર દબાણો હટે અને ફરી એ જ સ્થળે થાય છે અતિક્રમણ : ફોરેસ્ટ અને મહેસુલી વિભાગના અધિકારીઓ જાતે ફરિયાદી બની સરકારના હિતમાં કેમ ન કરે વિચાર ? નાના દબાણોમાં જિલ્લા સમાહર્તા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો દંડો ઉગામી શકે છે તો આવા મસમોટા હજારો હેકટરમાં અતિક્રમણ બાબતે કેમ ઢીલી નીતિ ?

ભુજ : જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ કાયદો અમલી કરાયો હતો. આ કાયદા અન્વયે ગેરકાયદે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સરકારી જમીનો પર ગેરકાયદે રીતે દબાણ થાય તો તે દબાણ હટાવી, દબાણકર્તા સામે નવા લેન્ડ ગ્રેબીંગ એકટ તળે જમીન પચાવી પાડવાની ફરિયાદ દાખલ થાય છે. આ એકટ તળે દરેક જિલ્લામાં સમિતિની રચના પણ કરવામાં આવી છે. દરેક જિલ્લાના કલેકટર આ સમિતિના પ્રમુખ છે. કચ્છમાં પણ આવા જમીન અતિક્રમણની ઘણી ફરિયાદો થઈ છે, જેમાં કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબીંગનો હથિયાર પણ ઉગામાયો છે. કચ્છના બન્ની વિસ્તાર ની જમીન વન વિભાગ અને મહેસુલ વિભાગ કોને માલિકી તે હજુ નક્કી નથી થયો પરંતુ બન્ને વિભાગ સરકારી છે અને જમીન પણ સરકારની છે તો જમીન દબાણનો કાયદો નહી લાગી શકે ત્યાં..?

બન્ની વિસ્તારમાં વનખાતાની રક્ષિત જમીન પર ઘણા દબાણ થયા છે. બન્નીએ ચરિયાણ જમીનનો વિસ્તાર છે, જયાં પશુઓ આરામથી ચરિયાણ કરી શકે એ માટે દુર દુર સુધી ઘાસિયા મેદાનો આવેલા છે. જાે કે, કેટલાક આગેવાનો અને ભુમાફિયાઓની મેલી નજર પશુઓના આહાર પર પડી અને ઘાસિયા મેદાનોમાં ગેરકાયદે વાડા બનાવી ખેતી કરવામાં આવે છે. તંત્ર દ્વારા ભૂતકાળમાં દધ્ધર, સુમરાસર શેખ, મીસરીયાડો સહિતના ગામોમાં દબાણ દુર થયા છે, પણ ફરી એજ સ્થળે જમીનોમાં ખેતી કરી અતિક્રમણ કરી દેવાય છે. સામાન્ય બાબતોમાં લેન્ડ ગ્રેબીંગનું શસ્ત્ર ઉગામતું તંત્ર બન્ની જેવા વિશાળ પ્રદેશમાં હજારો હેકટર જમીનોના ગેરકાયદે કબજા બાબતે અંધારામાં હોય તેમ આ કલમનો કયાંય ઉપયોગ થયો નથી. રક્ષિત વિસ્તારોમાં ગેરકાયદે દબાણ બાબતે તંત્ર ખુદ ફરિયાદી બને તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે. અવારનવાર દબાણો હટે અને ફરી એ જ સ્થળે અતિક્રમણ થાય છે ત્યારે એસી ચેમ્બરમાં બેસી પાંચ આંકડાનો પગાર મેળવતા ફોરેસ્ટ અને મહેસુલી વિભાગના અધિકારીઓ જાતે ફરિયાદી બની સરકારના હિતમાં વિચાર કરે તે જરૂરી છે. નાના દબાણોમાં જિલ્લા સમાહર્તા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો દંડો ઉગામી શકે છે તો આવા મસમોટા હજારો હેકટરમાં અતિક્રમણ બાબતે ઢીલીનીતિ થતા બન્નીમાં સવાલો ઉદભવ્યા છે. એનજીટીનો આદેશ આરંભે જ સૂરો ન બની રહે તે પણ જરૂરી છે.

દબાણ હટયા બાદ રેવન્યુ વિલેજનો દરજ્જાે મળશે કેમ ? ભારે અસમંજસતા : માલધારી સંગઠન

દબાણો ગેરકાયદેસર ન હોવાની કેફિયત

ભુજ : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના ઉપપ્રમુખ મુસાભાઈ રાયશી પોત્રાએ કહ્યું કે, એનજીટીએ આદેશ આપ્યો છે, તેમાં ઘણી અસમંજસતા છે. હુકમ અંગ્રેજીમાં આવ્યો છે, જેથી ગુજરાતી માટે મોકલાવાયો છે, પણ પ્રાથમિક માહિતી પ્રમાણે હાલમાં દબાણ દૂર કરવા જણાવાયું છે. જાે કે દબાણ દૂર થયા બાદ ભવિષ્યમાં શું થશે તેની કોઈ માહિતી નથી. અમારી માંગણી બન્નીમાં સમાવિષ્ટ ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જાે મળે અને અન્ય જમીનોને ચરિયાણ જમીન તરીકે માન્યતા મળે તેવી છે. ચરિયાણ જમીન ઉપર દબાણ દૂર થયા બાદ ભવિષ્યમાં કેવા પ્રકારની કામગીરી થશે તેની કોઈ માહિતી હાલમાં અમારી પાસે નથી. દબાણ બાબતે પુછતા સ્વીકાર કરતા કહ્યું કે, એ દબાણો ગેરકાયદેસર નથી. અમારા સંગઠનના અમુક સભ્યો ઘાસ ઉગાડવા માટે ખેતી કરે છે. બીજાે કોઈ હેતુ નથી. બન્નીમાં વન વિભાગની જમીનોમાં ઘાસ ઉગે છે છતા માલધારીઓ શું કરવા ચારો ઉગાડે છે તેવું પુછતા કહ્યું કે, વન વિભાગના પ્લોટોમાં ઘાસ નિકળતું નથી. માત્ર બીલો બને છે જેથી અમને ઘાસ ઉગાડવું પડે છે. બન્નીમાં દબાણ બાબતે સ્થાનિકે પણ ઉકેલ આવી શકે તેમ હોવા છતાં લડતને દિલ્હી સુધી કેમ લઈ જવાઈ ? તેવું પુછતા કહ્યું કે, સ્થાનીકે અમને કોઈ અધિકારીઓએ સારો પ્રતિસાદ નથી આપ્યો. રેવન્યુ દરજ્જાના અભાવે મકાનની બુક નથી મળતી, સરકારી યોજનાનો લાભ નથી મળતો જેથી સ્થાનીકે દાદ ન મળતા દિલ્હી સુધી જવાની ફરજ પડી હતી.

બન્નીમાં દબાણ હટયા બાદ વનગામોને રેવન્યુ વિલેજનો દરજ્જાે મળશે : સહજીવન સંસ્થા

માલધારી સંગઠનમાં એક હજારથી વધુ સભ્યો હોવાથી હુંસાતુંસીના કારણે દબાણો ન હટતા દિલ્હી સુધી જવાની પડી ફરજ

ભુજ બન્નીમાં ભેંસોનું સંવર્ધન થાય તેમજ ચરિયાણ જમીનો ઉપલબ્ધ રહે એ માટે સહજીવન નામની સંસ્થા વર્ષોથી માલધારી સંગઠનની સાથે કાર્ય કરી રહી છે. આ સંસ્થાના રમેશ ભટ્ટીએ કહ્યું કે, એનજીટીના આદેશથી ૧૮ થી ર૦ હજાર હેકટરમાં થયેલા દબાણો દૂર થશે. જેથી માલધારીઓની મુશ્કેલીમાં ઘટાડો થશે. બન્ની એશિયામાં ઘાસિયા પ્રદેશ તરીકે ખ્યાતિ મેળવી છે, જે સિદ્ધિ ફરી પુનઃ સ્થાપિત થશે. બન્નીમાં દબાણો હટયા બાદ શું થશે ? તેવું પુછતા કહ્યું કે, વન અધિકાર અધિનિયમ ર૦૦૬ની જાેગવાઈ પ્રમાણે બન્નીના રપ૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં પશુઓને ચરિયાણનો અધિકાર છે. દબાણ હટયા બાદ બન્નીના પ૪ ગામને વનમાંથી મહેસુલ ગામમાં પરિવર્તિત કરવાની કાયદામાં ૩૧ (એચ)ની જાેગવાઈ છે. ભારત સરકારની આ જાેગવાઈ પ્રમાણે વન ગામને મહેસુલી ગામનો દરજ્જાે મળી શકે છે. ઉપરાંત જંગલ ખાતાને અન્યત્ર જમીન ફાળવવાની પણ કોઈ જરૂરત નથી. મહેસુલ ગામનો દરજ્જાે મળ્યા બાદ મકાનોની આકારણી થશે. સરકારી મિલ્કતો મહેસુલ દરજ્જામાં આવી જશે. ર૦ વર્ષમાં કેટલી વસ્તી વધે છે તેને ધ્યાને લઈ વધારાની જમીનો પણ ફાળવાશે. હાલમાં વન ગામના કારણે મકાનો આકારણીમાં નથી ચડયા, લોન નથી મળતી, યોજનાઓનો લાભ નથી મળતો. દબાણ બાબતે કહ્યું કે, હાં માલધારી સંગઠનના હોદ્દેદારોએ દબાણ કર્યા છે. માલધારી સંગઠનમાં ૧ર૦૦ જેટલા સભ્યો છે, જેમાંથી અમુક લોકોએ ઘાસ સહિતના વાવેતર માટે દબાણ કર્યા છે, જેઓને વાડા મુકત કરવા સમજાવાયા હતા, પરંતુ આંતરીક હુંસાતુંસીને કારણે કોઈ વાડો છોડવા તૈયાર નથી, જેથી માલધારી સંગઠન સાથે મળી ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ હતી, જેથી ઉપરી આદેશના કારણે હવે તમામ લોકોને દબાણ સ્વેચ્છાએ કે તંત્રની કાર્યવાહીથી હટાવવા પડશે.