બન્નીની ગ્રામ પંચાયતોના હાથ બાંધી વન વિભાગને અપાયો છૂટોદોર

એનજીટીએ બન્નીમાં દબાણો દૂર કરવા આપ્યો આદેશ, પરંતુ વન વિભાગ વાડા બાંધી દબાણને પ્રોત્સાહન આપતું હોવાનો આગેવાનોએ લગાવ્યો આક્ષેપ : લોકો દબાણ કરે તો એ દબાણ અને વન વિભાગ ઘાસચારાના પ્લોટ માટે વાડા બાંધે તે કાયદેસરતેવી નીતિ સામે ઉઠાવાયો વાંધો : બન્નીના રહેવાસીઓ પાસેથી અધિકાર છીનવી વનવિભાગને આપી દેવાતા ઉઠ્યા વિરોધના સૂર

ભુજ : ઘાસિયા મેદાન તરીકે બન્ની વિસ્તારે માન્યતા મેળવી છે. બન્નીએ રક્ષીત જંગલ વિસ્તાર છે જ્યાં ૧૯ ગ્રામ પંચાયત હેઠળ ૪૮ ગામો આવેલા છે. અહીં આસરે ૭ હજાર કુટુંબોની કુલ જન સંખ્યા ૪૦ હજાર જેટલી છે. તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બન્નીમાં ગેરકાયદે થયેલા દબાણો છ મહિનામાં દૂર કરવા આદેશ આપ્યો છે. જેથી માલધારી દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા તંત્રએ કવાયત આરંભી છે, પરંતુ વન વિભાગ ઘાસચારા પ્લોટના નામે ખુદ વાડા બાંધે છે. તેની ફરતે ખાઈ બનાવે છે. જેમાં પડી જવાથી પશુઓને જાેખમ રહે છે. વન વિભાગના પ્લોટોમાં ઘાસ તો ઉગતું નથી. જેથી આવી અન્યાયકારી નીતિઓ સામે અહીંના આગેવાનોએ વિરોધના સૂર ઉઠાવ્યા છે.

બન્ની વન વ્યસ્થાપન સમિતિના નેજા હેઠળ આગેવાનો દ્વારા કલેક્ટર, તાલુકા પંચાયતમાં રજૂઆત કરાઈ હતી. જે મુજબ તાજેતરમાં એનજીએટીએ આપેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે, બન્નીના સ્થાનિક માલધારીઓ બન્ની ઘાસિયા રક્ષીત જંગલનો કબજાે ધરાવે છે અને વન વિભાગ અધિનિયમ હેઠળ તેમના અધિકારીઓ સુરક્ષીત થયેલા છે. બન્નીની જમીનમાં ગ્રામ સભાની સહમતી અને મંજૂરી વગર કોઈપણ કામગીરી કરવી તે કાયદાની જાેગવાઈ વિરૂદ્ધ છે. તેમ છતાં બન્નીના મુળભૂત અધિકારો પર તરાપ મારી વન વિભાગ દ્વારા પંચાયતોને વિશ્વાસમાં લીધા વગર વાડા બાંધવામાં આવતા વિરોધ કરાયો છે. કલેક્ટરે તાજેતરમાં ૧૯મેના મુખ્યમંત્રી ઘાસચારા વિકાસ યોજના અન્વયે બન્નીમાં ઘાસચારા પ્લોટ પાડવા સૂચના આપી છે. જેથી વનવિભાગે છેલ્લા ૮-૧૦ દિવસથી કામગીરી શરૂ કરી છે, પરંતુ ગ્રામ પંચાયત અને ગ્રામ સભાને સહમતમાં લેવાયા નથી જેથી આ કામગીરી સામે વિરોધ કરાયો છે.

બન્નીના આગેવાન જુમા ઈસા નોડેએ કહ્યું કે, બન્ની અમારું ગામ છે વર્ષોથી અમે બન્નીમાં રહીએ છીએ, પરંતુ અમને અમારા મુળભૂત હક્ક ન મળ્યા, પણ વન વિભાગને તમામ હક્ક આપી દેવાયા છે. ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર વન વિભાગ દ્વારા સરાડા, ભીટારા, ડુમાડો, ગોરેવલી સહિતના ગામોમાં વાડા બાંધવામાં આવી રહ્યા છે જેની સામે અમારો વિરોધ છે. વન વિભાગ દ્વારા જે પ્લોટ બાંધવામાં આવી રહ્યા છે તેની સામે અમારો વિરોધ એટલે છે કે, અમારો મૂળભૂત વ્યવસાય પશુપાલન છે જાે વનવિભાગ આવી રીતે પ્લોટો પર કબજાે કરી લેશે તો અમારા પશુઓ ક્યાં જશે. ઉપરાંત ગ્રામ પંચાયતને પણ વિશ્વાસમાં લેવામાં નથી આવી. અધુરામાં પૂરું પોલીસ, વન વિભાગ સહિતના તંત્રો દ્વારા ધાકધમકી પણ આપવામાં આવે છે. માલધારી સંગઠનના ટ્રસ્ટી અને નાની દધર ગામના હાજી નોડેએ કહ્યું કે, એનજીટીનો ચૂકાદો આવ્યો, પરંતુ સ્થાનિક માલધારીઓના હીતમાં કોઈ કામગીરી નથી. જાે વાડાની કામગીરી બંધ નહીં થાય, જબરદસ્તી કામગીરી શરૂ રહેશે તો સૌ માલધારીઓ રેલી કાઢશે. ભગાડિયાના નુરમામદ જતે કહ્યું કે, ફોરેસ્ટ વિભાગને છૂટો દોર આપી દેવાયો છે. તંત્ર, સરપંચ અને ગામના લોકોને દબાવે છે. બન્નીના લોકોનો હક્ક છીનવી ફોરેસ્ટને આપી દેવાતા વિરોધ કરાયો છે તો સેરવાના માજી સરપંચ ગુલામભાઈએ કહ્યું કે, લાખોનો ખર્ચ કરી વન વિભાગ પ્લોટ પાડે, પરંતુ તેમા ઘાસ ઉગતું નથી.

નોંધનીય છે કે, નાયબ વન સરક્ષકની કચેરી દ્વારા બન્ની વિસ્તારમાં સરાડો રેન્જમાં ગોરેવલી, ઠીકરિયાડો, સરાડો, ભીંરડિયારા રેન્જમાં મીસરિયાડો, ભીંરડિયારા અને છછીતુગા રેન્જમાં મીઠડી અને ભીટારા, સરગુ રેન્જમાં ડુમાડો, ઓધમો, વડ ગામે કુલ ૧૯૦૪ હેક્ટર જમીનમાં ઘાસચારાનો વાવેતર કરવાનું નક્કી કરાયું છે તો મુખ્ય વન સરક્ષક દ્વારા પોલીસ બંદોબસ્ત માટે કલેક્ટરને પત્ર લખાયો હતો જે અનુસંધાને કલેક્ટરે એસપીને પત્ર લખી બન્નીમાં ઘાસચારા વિકાસ યોજનાના પ્લોટ પાડવામાં પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું. જે મુજબ વન વિભાગ દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં સ્થાનિકે લોકો તથા સરપંચો દ્વારા બિનજરૂરી વિરોધ કરી કામમાં રૂકાવટ ઊભી કરાશે તેવી ભીતિ અનુસંધાને પોલીસ બંદોબસ્ત રાખવા તાકીદ કરાઈ હતી.

ભુજમાં તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરતી વખતે છછલાના સરપંચ અલીમામદભાઈ, લુણાના સરપંચ સયા ઉમર જત, તાલુકા પંચાયતના સભ્ય અબ્દુલ્લા બુઢા, સેરવાના ગુલામ જત, ભગાડિયાના નુરમામદ જત, ભીટારા સરપંચ સુમાર જાનમામદ, સેરવા ઉપસરપંચ ઓસ્માણ ફતેહખાન, સરાડા સરપંચ જીવરાજ સમા, ઝિંકડી સરપંચ મિંયાજી મુતવા, નાની દધરના હાજી હાસમ નોડે, હાજીપીર ઉપસરપંચ હારૂન મુબારક મુજાવર તેમજ સ્થાનિકો અબ્દુલ્લા નોડે, જુમા ઈસા નોડે, મુસા જુમા રાયશીપોત્રા, ઈસા મેરાણ મુતવા, અમીન સાઝનમિંયા, ઈમરાન હાજીમામદ મુતવા, રસુલ સોઢા, ફકીરમામદ પુનરા, ખેરમામદ આધમ વગેરે હાજર રહ્યા હતા.