બન્નીના સરાડા ગામે વનતંત્ર કર્મીઓ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

૧૦૦ જેટલા લોકોના ટોળાએ વનતંત્રની કામગીરી અટકાવી, વાહનો પર હુમલો કર્યો : વનતંત્રના જિલ્લા કક્ષાના અધિકારી અજાણ !

ભુજ : તાલુકાના બન્ની વિસ્તામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા ચુકાદા બાદ સર્જાયેલી મત મતાંતરની સ્થિતિ વચ્ચે ગઈકાલે સરાડા ગામે વનતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને અટકાવવા ગામલોકોનું ટોળું સીમમાં ધસી ગયું હતું. જયા ઉગ્ર બોલાચાલી બાદ વનતંત્રના વાહનો પર હુમલા સહિતના વીડિયો વાયરલ થતા સરહદી અને શાંત એવા બન્ની વિસ્તારમાં ઉચાટ ફેલાયો હતો.બન્નીના સરાડા ગામમાં થતી વનતંત્રની કામગીરી સ્થાનિક માલધારીઓના ચરીયાણ માટે મોટી મુશ્કેલી ગણાવી કામગીરી બંધ કરવા રજૂઆત કરાઈ હતી. બીજી તરફ વનતંત્રએ પોલીસ રક્ષણ માગી કામગીરી ચાલુ રાખી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે ગામના સરપંચે રાજીનામું ધરી દઈ ઉકેલ લાવવા માંગણી કરી હતી, પરંતુ વહિવટી તંત્રએ ગંભીરતા દાખવતા ગઈકાલે અનિચ્છનીય ઘટના બની હતી.એનજીટીએ છ મહિનામાં ગેરકાયદે વાડાઓ રૂપી દબાણ દુર કરવાનો આદેશ કર્યો છે જેના માટે તંત્રએ હજુ સુધી જમીનની સ્તરે કોઈ કાર્યવાહી નથી કરી. દરમ્યાન વનતંત્રએ જેસીબી, હિટાચી જેવા સાધનો સાથે ઘાસ પ્લોટ બનાવવાનું શરૂ કરતા ગ્રામજનોએ વાંધો નોંધાવ્યો હતો. વહિવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે ગઈકાલે ગ્રામજનોના ટોળાએ વનતંત્રના વાહનો પર હુમલો કરવાની હિંમત કરી હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મને આ વિશે કોઈ જાણ નથી : ઈન્ચાર્જ એસીએફ

ભુજ : ગઈકાલે બન્નીના સરાડામાં બનેલ ઘટનાક્રમ અંગે વનતંત્રના ઈન્ચાર્જ એસીએફ એમ.યુ. જાડેજાનો સંપર્ક કરતા તેમણે આ સમગ્ર મામલે અજાણતા દર્શાવી હતી. ગંભીર કહી શકાય તેવી ઘટનાની જાણ પણ જિલ્લા કક્ષાના અધિકારીને ન હોવાનો મુદ્દો પણ વનતંત્ર પર સવાલો ખડા કરે તેવો છે.