બનાસકાંઠાના દિયોદર પાસે કાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત

(જી.એન.એસ)બનાસકાંઠા,જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે મંગળવારે એક કાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના બની છે. જેમાં ડીસામાં રહેતા સુધીર જયંતીભાઈ પુજારા અને અમદાવાદમાં રહેતી તેમની બહેન અનિતાબેન જેન્તીભાઈ પૂજારા ભાભરથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે કાલચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં બેઠેલા બન્ને ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ આવી પહોંચી હતી અને બન્નેની મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુજારા પરિવારમાં એક જ ઘટનામાં બન્ને ભાઈ-બહેનના મોત થતાં સમાજમાં શોકનો માહોલ છવાયો છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી મોટા વાહનોના ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. વારંવાર થતા અકસ્માતોના કારણે હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.એક તરફ કોરોના વાઈરસની મહામારીમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે પણ અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક લોકોના અકસ્માત થયા છે. વારંવાર સર્જાતા અકસ્માતનોને અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અકસ્માત અટકી શકે તેમ છે.