ફાર્માસીસ્ટ વગર ધમધમતા મેડિકલ સ્ટોર અને બોગસ ઉંટવૈદો સામે તવાઈ ટાંકણે સુચક ટકોર : જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા બિયારણના ‘બોગસ વિક્રેતા’ઓ સામે કરો લાલઆંખ

ચોમાસાની સીઝન દરવાજે ટકોરા મારી રહી છે ત્યારે બોગસ બિયારણ ખેડૂતોના ખેતરો સુધી પહોંચે એ પૂર્વે તંત્રની ટીમ આવા ગોડાઉનોમાં પહોંચે તે જરૂરી : કોરોના મહામારીને કારણે નિગમ દ્વારા સબસીડીયુક્ત બિયારણના વિતરણ મુદ્દે શંકા-કુશંકા સેવાઈ રહી છે ત્યારે અમુક લેભાગુઓએ બિયારણના ગોડાઉન ભર્યા

જંતુનાશક દવાઓના અમુક વિક્રેતાઓ દ્વારા ધારાધોરણનો સરેઆમ કરાતો ભંગ

ભુજ : હાલમાં કોરોના મહામારી તેમજ મ્યુકરમાઈકોસીસની મહામારીને લઈને સરકારનું તમામ ધ્યાન આરોગ્ય પર કેન્દ્રીત છે, જેના કારણે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર બોગસ ઉંટવેૈદો અને ફાર્માસીસ્ટ વગર ધમધમતી મેડિકલ સ્ટોર પર તવાઈ બોલાવાઈ રહી છે. આવા સમયે ચોમાસાની સીઝન પણ નજીક છે ત્યારે જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા બિયારણના બોગસ વિક્રેતાઓ સામે લાલઆંખ કરવી જરૂરી બની ગઈ છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છમાં પંદર જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, ત્યારે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ખેડૂતો જમીન સમતળ અને ખેડાણ કરવા સહિતની કામગીરીમાં પરોવાઈ ગયા છે. ઉનાળુ પાકની જણસોની ઉપજ ચોમાસુ પાક ઉભો કરવામાં ખર્ચી દેવાશે. જાે કે ગામડાના અભણ ખેડૂતોની મજબુરીનો લાભ વર્ષોથી ઉઠાવાઈ રહ્યો છે. આ વખતે પણ એ જ પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કારણ કે, ખેડૂત મોંઘાભાવે બિયારણ ખરીદે તેમાં પણ અમુક લેભાગુ બોગસ બિયારણ પધરાવી દે જેના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ રહે છે. પાક ઉભો થાય તો પણ બજારમાં ભાવ મળતા નથી. ચારે બાજુથી કટોકટી વચ્ચે ફરી વાવણીની સીઝન આવતા ખેડૂતને ફરી છેતરાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. કારણ કે, આરોગ્ય માટે દવાઓના વેચાણ માટે જેમ મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ હાજર હોવો જાેઈએ. તબીબની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ જ તેનું નિદાન કરી શકે તો જ વ્યક્તિ સાજાે થાય છે. ખેતીમાં પણ કંઈક આવું જ છે. બિયારણ, દવા સહિતની પાયાની ખેત વસ્તુઓના વેચાણ માટે દુકાનધારક પાસે લાયસન્સ હોવું જાેઈએ. તેમજ પોતે જે વસ્તુઓનું વેચાણ કરે છે તે અધિકૃત હોવી જાેઈએ. જાે કે, ઘણા સ્થળોએ નિયમોની અમલવારી  થતી નથી. જેથી પાક નિષ્ફળ જવાના સંજાેગો વધી જાય છે.

કોરોના મહામારીને કારણે નિગમ દ્વારા આ વખતે સબસીડીયુક્ત બિયારણનું વિતરણ થશે કે કેમ તેને લઈને શંકા-કુશંકા સેવાઈ રહી છે, તે વચ્ચે જિલ્લામાં મુખ્યમથકો તેમજ ગામડાઓમાં ખેતીના હબ વિસ્તારમાં અમુક લેભાગુઓએ એગ્રો સેન્ટર ખોલી બિયારણ અને દવાઓના ગોડાઉન ભર્યા છે. ઘણા સ્થળોએ તો સ્થાનીક કિસાનોને મોહિત કરવા આકર્ષક ઓફર અને બિયારણની અવનવી જાતો અને લોભામણી લાલચો આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં જે ખેડૂતો ટેકનોલોજીથી અપરિચીત છે તેવા ખેડૂતોને માયાજાળમાં ફસાવવામાં આવે છે.

હાલમાં જ્યારે ચોમાસુ નજીક છે ત્યારે ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે. નિગમમાંથી સમયસર બિયારણ નહીં મળે અથવા બજારમાં બિયારણની શોર્ટેજ થાય તો નાછૂટકે આવા લોકો પાસેથી બિયારણની ખરીદી કરવી પડશે. કૃષિ વિભાગ દ્વારા વાવણીની સીઝન પૂર્વે એવું જણાવાય છે કે, રજીસ્ટર દુકાનો પરથી બિયારણ લેવું, ખરીદી અંગે બિલ મેળવવું, અધિકૃત વસ્તુઓ જ ખરીદવી. જાે કે યોગ્ય પ્રચાર – પ્રસારના અભાવે આ જાગૃતિ ગામડાઓ સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે. પરિણામે ખેતરોમાં આ બિયારણ પથરાઈ જતા માથે હાથ દઈને રોવાનો વારો આવે છે. જિલ્લામાં ફરી ધરતીપુત્રોને છેતરવાની મોસમ શરૂ થાય એ પૂર્વે કુંભકર્ણની નીંદ્રામાં આવી ગયેલુ તંત્ર એક બે સ્થળોએ કાર્યવાહીનો ઓડકાર ખાવાને બદલે જિલ્લાવ્યાપી કામગીરી કરે તે જરૂરી છે.