ફલાઈટની ટિકીટનું રીફંડ મેળવવા જતા યુવાન સાથે ૬૮ હજારની ઠગાઈ

મેક માય ટ્રીપ ડોટ કોમની હેલ્પલાઈનમાંથી બોલું છું તેવું જણાવીને યુવાનના ક્રેડીટ કાર્ડ નંબર મેળવીને આચરાતી છેતરપિંડી : મુંદરાના બારોઈમાં રહેતા મુળ તામીલનાડુના યુવાને મુંદરા પોલીસમાં નોંધાવી ફરિયાદ

મુંદરા : તાલુકાના બારોઈમાં રહેતા મુળ તામીલનાડુના યુવાન સાથે ઓનલાઈન ઠગાઈ થતા મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. યુવાનને ફલાઈટની ટિકીટના પૈસા રીફંડ મેળવવા કરેલી કાર્યવાહી બાદ ચિટ્ટરે ફોન કરીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ તામિલનાડુના અને હાલ બારોઈમાં રહેતા ઈલનગોવન વેણુગોપાલ ગૌડાએ મોબાઈલ નંબર ૯૮૮૩૮ પ૧૯૮૬ નંબર પરથી ફોન કરનાર શખ્સ તેમજ જુદા જુદા એકાઉન્ટ નંબર ધારક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ફરિયાદીને ફોન કરીને મેક માય ટ્રીપ ડોટ કોમ હેલ્પલાઈનમાંથી બોલું છું તેવું કહી ફરિયાદીના ફલાઈટની ટિકીટના પૈસા રિફંડ કરવા બાબતે વિશ્વાસમાં લઈ ક્રેડીટ કાર્ડ નંબર મેળવીને જુદા જુદા ત્રણ ટ્રાન્જેક્શન કર્યા હતા, જેમાં ૪૭૯૭પ, ૪૦૪૦૦ અને ર૦ર૦૦નું ટ્રાન્જેક્શન કરીને ફરિયાદીના એકાઉન્ટમાં ૪૦,૪૦૦ જમા કરાવ્યા હતા, જયારે અન્ય ૬૮૧૭પની છેતરપિંડી આચરતા મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે પીઆઈ એમ. બી. જાનીએ આગળની તપાસ હાથ ધરી છે.