ફરિયાદો વચ્ચે વહિવટી તંત્રની ટીમે જી.કે. જનરલની સુવિધાઓ ચકાસી

ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવાર, હેલ્પડેસ્ક, ફુડ મેન્યુ, ઈન્જેક્શન વિતરણ વ્યવસ્થાની કરી સમીક્ષા

ભુજ : મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલની છેલ્લા થોડા સમયથી ફરિયાદો વધી છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. સામે સ્ટાફ ઓછો હોવાથી દરેક દર્દીને સંતોષજનક સારવાર આપી શકાતી નથી. ફરિયાદો વચ્ચે વહિવટી તંત્રની ટીમે જી.કે. જનરલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતી. મદદનીશ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓએ હોસ્પિટલની સમીક્ષા કરી હતી. પ્રાંત અધિકારી મનિષ ગુરૂવાણીએ જણાવ્યું કે, હાલમાં જી.કે. જનરલમાં કોવિડની સારવાર માટે ૪૦૦ બેડ કાર્યરત છે, જેમાં કેપેસિટી વધારવામાં આવશે. આજે અમે હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી છે, જેમાં કોવિડ દર્દીઓને યોગ્ય સારવાર મળે છે કે કેમ, હેલ્પડેસ્ક, દર્દીઓને અપાતા ફુડ, ઈન્જેક્શન વિતરણ વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી છે. હોસ્પિટલમાં દરેક કામગીરી સ્ટાફ દ્વારા ખંતપૂર્વક બજાવવામાં આવે છે. આજે પરિસ્થિતિ ગંભીર છે. વધારે દર્દીઓ આવતા હોવાથી સ્ટાફ પર ભારણ વધારે છે. લોકો સહકાર આપે, દાખલ દર્દીની સારવારનું સ્ટેટસ જાણવું હોય તો હેલ્પડેસ્કનો સંપર્ક કરો, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સારૂં ભોજન તંત્ર અને હોસ્પિટલ તરફથી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ ભુજ મામલતદાર વિવેક બારહટ તેમજ કોવિડ કોર કમિટીના સભ્યો પણ જોડાયા હતા.