પ્લેનની મુસાફરી થઇ વધુ મોંઘીઃ મિનિમમ ભાડુ ૫ ટકા વધ્યું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દેશના હવાઇ ભાડામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટિ્‌વટ કરીને માહિતી આપી કે હવાઇ ભાડાની નીચલી બેન્ડમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે હવાઈ બળતણના વધતા ભાવને આ પાછળનું કારણ ગણાવ્યું છે.આ અગાઉ ફેબ્રુઆરીમાં સરકારે ભાડામાં નીચા ભાવવાળા બેન્ડમાં ૧૦ ટકાનો અને ઉપલા બેન્ડમાં ૩૦ ટકાનો વધારો કર્યો હતો. હવે ઓછી પ્રાઇઝ બેન્ડમાં ફરીથી વધારો થયો છે. હાલમાં, આ વધારો એપ્રિલનાં અંત સુધી ચાલુ રાખી શકે છે. હવાઈ બળતણના ભાવો જોયા પછી જ સરકાર આગળનો નિર્ણય લેશે.હરદીપસિંહ પુરીએ એમ પણ કહ્યું કે કોરોનાને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ અને રાજ્યો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધ ગણાવ્યા છે. આ જ કારણ છે કે સરકાર હાલમાં ઘરેલું હવાઈ સેવાઓ સંપૂર્ણ રીતે ખોલવાનો નિર્ણય નથી લઇ રહી. એરલાઇન કંપનીઓ ૮૦ ટકા ક્ષમતા પર કામ કરવાનું ચાલુ રાખશે.
કેન્દ્ર સરકારે હવાઇ મુસાફરીનાં સમયના આધારે ભાડાની સાત કેટેગરી બનાવી છે. તમામ કેટેગરીમાં અંતર પ્રમાણે લઘુત્તમ અને મહત્તમ ભાડા નક્કી કરાયા હતા. દેશમાં લઘુતમ ભાડું ૨૮૦૦ રૂપિયા અને મહત્તમ ભાડું ૨૮ હજાર રૂપિયા રાખવામાં આવ્યું હતું. એરલાઇન કંપનીઓ માંગ અને પુરવઠાના આધારે હવાઇ મુસાફરીનું ભાડુ નક્કી કરે છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, લોકોને આ માટે ખૂબ ઉંચા ભાવ ચૂકવવા ન પડે તે માટે સરકારે આ સમય મર્યાદા નક્કી કરી છે.