પ્રાગમલજી ત્રીજાની જન્મથી મૃત્યુ સુધીની સફર

ભુજ : કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનો જન્મ તારીખ૩-૫-૧૯૩૬ના કિશનગઢના પ્રિન્સેસ મહારાણી રાજેન્દ્રકુવરબા સાહેબની કુખે થયો હતો. તેઓના જન્મ વખતે તેઓના પરદાદા મહારાવ ખેંગારજી ત્રીજા રાજગાદી ઉપર વિરાજમાન હતા. એ વખતે કચ્છમાં કહેવત થઈ કે ‘ત્રે રા મથે ચોથો રા આયો.’ કચ્છ ગેઝેટમા પણ તેની નોંધ થયેલ છે. તેઓએ પ્રાથમિક શિક્ષણમાં પ્રથમ એકડો મોટી પોશાળમાં ગુરુજી ભદ્ર મેરજી પાસે ઘૂંટ્યો હતો. બાદમાં જટાશંકર ભટ્ટ, દામજીભાઈ ઠક્કર અને શ્રી પટ્ટણી પાસેથી ગણિત અને અંગ્રેજીના પાઠ ભણ્યા હતા.

૧૯૪૭માં મેયો કોલેજ અજમેર, ૧૯૪૮થી ૧૯૫૫માં દુન સ્કૂલ, દહેરાદૂન અને ત્યારબાદ ૧૯૫૫ થી ૧૯૫૮ હિન્દુ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાં હીસ્ટ્રી વિષય સાથે બી.એ.  ઓનર્સની ડીગ્રી મેળવી હતી. ઈ.સ ૧૯૭૧માં સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર પદે, ગાંધીધામ સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ફેકટરી મિલના ડાયરેક્ટર પદે, પ્રાગમહેલ પેલેસના એમ.એમ. કચ્છ બેનીવોલેન્ટ ટ્રસ્ટ અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે રહ્યા હતા. પ્રાગમહેલ ૨૦૦૧માં વિનાશક ભૂકંપમાં ભારે નુક્સાન પામ્યો ત્યારે તેના રિસ્ટોરેશન માટે પોતાના અંગત ભંડોળમાંથી રૂપિયા એક કરોડ ૫૦ લાખનું અનુદાન આપ્યું હતું. ગુજરાત સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડ લાઇફના ચીફ વોર્ડન તરીકે રહ્યા હતા.

કચ્છ અલગ મંચના પ્રણેતા અને માર્ટિન એન્ડ હેરીસકંપનીના એજ્યુકેટીવ ડાયરેક્ટર પણ તેઓ હતા. ચાડવા રખાલના વિકાસ માટે હંમેશા ચિંતિત રહેતા હતા. ગાઈડ સંસ્થા દ્વારા ટેકનિકલ સર્વે પણ હમણાં કરાવ્યો છે. આ ચાડવા રખાલમાં તેઓ તથા મહારાણી પ્રીતિબાની અંગત ઇચ્છા મુજબ કુળદેવી મોમાઈ માતાનું ભવ્ય મંદિર, સમગ્ર જાડેજા ભાયાતો અને કચ્છીઓ માટે પાયાવિધિ કરીને નિર્માણ કાર્ય ચાલુ કરાવેલ છે. તેઓ સાચા અર્થમાં દીન દુખિયા અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હતા.  મંદિરો અને તેની વ્યવસ્થા માટે તથા  વિદ્યાર્થીઓ અને વિવિધ સમાજના હિત માટે સહાનુભૂતિ ધરાવતા અને પ્રસંગોપાત અનુદાન કરતા રહેતા હતા. કચ્છીભાષા, કચ્છીયત, કચ્છના લોકો તથા કારીગરોના હિત માટે પ્રતિબધ્ધ રહેતા.

કચ્છી પહેરવેશ કચ્છી પાઘડીના ખાસ હિમાયતી હતા. તેના પ્રોત્સાહન માટે હંમેશા તત્પર રહેતા.  કચ્છ રાજકુટુબમાં પ્રચલિત પરંપરાગત વાર્ષિક ૨૦ જેટલી ધાર્મિક વિધિઓ અને પૂજાઓ નિયમિત પણે કરાવતા રહ્યા હતા. ચંદ્રદર્શન બીજના હંમેશા તેઓ ભુજ અને દરબારગઢમાં આવેલ ટિલા મેડીમાં છેલ્લા ચાલીશ વર્ષથી પૂજાવિધિમાં હાજરી આપતા હતા. તારીખ ૨૮-૫-૨૧ના રોજ૮૫  વર્ષ પૂરા કરી કચ્છવાસીઓને એકલા મૂકી તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.