પ્રધાનમંત્રી સાથે પદાધિકારીઓનો સીધો સંવાદમાં કચ્છના ૪૫૦૦ જેટલા જનપ્રતિનિધિઓ જોડાશે

0
132

૯૦ બસો દ્વારા ૧૧મી માર્ચે GMDC ગ્રાઉન્ડ અમદાવાદ સાથે પંચાયત મહાસંમેલનમાં સૌ સામેલ થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખો અને સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચો અને સભ્યો સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૪૫૦૦ જેટલા જનપ્રતિનિધિઓ જોડાશે.

તા. ૧૧મી માર્ચ ૨૦૨૨ના રોજ બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાનશ્રી સાથે સીધો સંવાદ કાર્યક્રમ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાનાર છે જેમાં કચ્છ જિલ્લામાંથી ૮૫ સાદી અને ૫ વોલ્વો બસ દ્વારા ત્રિસ્તરીય પંચાયતના પ્રતિનિધિઓ વડાપ્રધાનશ્રીને રૂબરૂ થશે.

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘આપણું ગામ આપણું ગૌરવ” ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ચુંટાએલા જનપ્રતિનિધિઓ સાથે સમરસયોજના, ગ્રામપંચાયત ઘર, ઇ-ગ્રામ સશક્તિકરણ, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, ડિઝીટલ પેમેન્ટ અને વતનપ્રેમ યોજના બાબતે સાંવાદ યોજાશે. ગુજરાત પંચાયત મહાસંમેલનના અધ્યક્ષશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્ય અતિથિ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ગ્રામ ગૃહવિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા અને સાંસદશ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહેનાર છે.

જેમાં કચ્છના જીલ્લા પંચાયતના ૪૦ અને તાલુકા પંચાયતના ૨૦૩ સદસ્યો સામેલ છે. આ કાર્યક્રમની વ્યવસ્થા, તકેદારી અને કોમ્યુનિકેશન માટે કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે એમ લાયઝન અધિકારીશ્રી નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં કચ્છ ખાતે નોડલ અધિકારીશ્રી નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી આસ્થાબેન સોલંકી છે તેમજ GMDC અમદાવાદ ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારી પંચાયતશ્રી એચ.બી.મકવાણા છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનશ્રી સાથેના સીધો સંવાદ કરવાના પંચાયત મહાસંમેલનમાં જોડાવવા માટે અનુરોધ કરાયો છે.