ગુજરાતના હિસ્સાનું મોટા ભાગનું પાણી મધ્યપ્રદેશે છોડી દીધું, ગુજરાતે પાણી છોડવા પર નિયંત્રણ રાખ્યું

 

ગાંધીનગરઃ સરદાર સરોવર ડેમના ઇતિહામાં આવું સૌપ્રથમવાર થયું છે કે ભરઉનાળે મે મહિનામાં ડેમમાં પાણીની સપાટી ૧૧૯ મીટરને વટાવી ગઇ હોય. ડેમ પર દરવાજા બેસાડ્યાંને હજુ પાંચ વર્ષ પૂરાં નથી થયાં અને ૨૦૧૩ની સાલ સુધી ગુજરાતના લોકોને એવાં દ્રશ્યો બરાબર યાદ હશે કે જ્યારે બારેમેઘ ખાંગા થયાં હોય તેવા વર્ષે ચોમાસામાં પાણીની આવક વધતાં ડેમની તત્કાલીન ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી પાણી ઓવરફ્લો થતું હતું. પણ આશ્ચર્યની વાત છે કે આ વખતે તો પાછલાં વર્ષમાં વરસાદ ખૂબ નબળો રહ્યો અને તે છતાં ધોમધખતાં વૈશાખમાં જ ડેમમાં પાણી ૧૧૯.૫૮ મીટરે પહોંચી ગયાં. સરકારના સૂત્રોના જણાવ્યાં અનુસાર આ પાણી ગુજરાતના આ વર્ષના કુલ હિસ્સાને લગભગ સમાંતર છે એટલે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિયમ પ્રમાણે ગુજરાતને આ વર્ષમાં મળવાપાત્ર પાણીના જથ્થામાંથી બાકી રહેલું લગભગ બધું જ પાણી મધ્યપ્રદેશે છોડી દીધું છે. હવે પ્રશ્ન એ થાય છે કે મધ્યપ્રદેશે ઓચિંતા જ આ પાણી છોડવાનું શરૂ કેમ કર્યું. તપાસ કરતાં વિગતો જાણવા મળી કે હાલ ઉનાળાને કારણે મધ્યપ્રદેશ વીજળીની તંગી અનુભવી રહ્યું છે. ત્યાંના સ્થાનિક થર્મલ પાવર સ્ટેશનો જરુરિયાતને પહોંચી ન વળતાં છેલ્લાં પાંચ દિવસમાં જ મધ્યપ્રદેશે ઇન્દિરાસાગર અને બાર્ગી ડેમમાં સ્થિત હાઇડ્રોપાવર પ્લાન્ટ થકી વીજળી મેળવવા માટે પોતાની પાસે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હિસ્સાનું પાણી છોડી દીધું છે. સરકારી સૂત્રો ઉમેરે છે કે સોમવારે મધ્યપ્રદેશ તરફથી એકાએક પાણીની આવક વધતાં જ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઊંચી આવવા માંડી હતી. આ તરફે ગુજરાત સરકારે ડેમમાંથી છોડાઇ રહેલા પાણીનો જથ્થો ૫,૦૦૦ ક્યુસેક બરકરાર રાખ્યો. આમ, જાવક કરતા આવક વધી અને પાણીની સપાટી ઊંચી ગઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here