બજારમાં દુકાનો બંધ, વેપારીઓ બન્યા બેરોજગારઃ તેવા સમયે મોલ ખુલ્લા રહેતા કચવાટ

ભુજ : કચ્છના ભુજ અને ગાંધીધામ સહિત રાજયના ર૯ શહેરોમાં રાત્રી કર્ફયુની સાથે સરકારે મીની લોકડાઉન લગાવ્યું પરંતુ સરકાર લોકડાઉન કહેવાના બદલે તેને કડક નિયંત્રણ લેખાવી રહી છે. જો કે, કયાંકને કયાંક અસમંજસતાઓ હજુ પણ પ્રવર્તી રહી છે. પરિણામે એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. સરકારે જીઆરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, મોલ, શોપીંગ મોલ સહિતના બજાર તેમજ આર્થિક, વ્યાપારીક પ્રતિષ્ઠાનો પ મે સુધી બંધ રહેશે. આવા સમયે લોકોએ તો જવાબદારી સમજી પોતાની દુકાન બંધ રાખી પરંતુ લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હતો કે, મોલ ખુલ્લા હશે તો શું કરશું ? બજારો બંધ થઈ જો કે, મોલ ચાલુ જ છે. મોલમાં ચારેય બાજુ પેક દિવાલો તેમજ એસી ચાલુ હોવાથી સંક્રમણ વધવાનો દર ગણો ઉંચો જાય છે. નિષ્ણાંત તબીબો પણ એવું કહી રહ્યા છે કે, થોડા સમય પુરતું એસી વાળા સ્થળો, મોલમાં જવાનું ટાળો પરંતુ નિયમ વિરૂદ્ધ જઈ મોલ ખુલ્લા રહ્યા છે અને વેપારીઓની બજારને ફટકો લગાવ્યો છે. અલબત પોલીસ કે તંત્ર કાર્યવાહી ન કરે એ માટે ભુજના ડી-માર્ટમાં સંચાલકોએ છટકબારી પણ શોધી લીધી છે. મોલની બહાર એક નોટીસ લગાવાઈ છે, જેમાં તેઓ દર્શાવે છે કે, ફકત જીવન જરૂરીયાતની વસ્તુઓ મળશે, જેના માટે મોલ ખુલ્લું છે. સાંજના સાત વાગ્યે શટર ડાઉન કરી દેવાતા હોવાનું જણાવાયું છે. આખી બજારો જયારે બંધ હોય તેવા સમય ડી-માર્ટના સંચાલકોએ પણ નૈતિક જવાબદારી સ્વીકારી લોકોના હિતમાં બંધ રાખવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. આ બાબતે ડી-માર્ટના સંચાલકોનો સંપર્ક વિફળ રહ્યો હતો.