પોલીસ જ અસુરક્ષિતઃ તસ્કરો ટ્રાફિક બુથમાંથી ૮ હજારની મતા ચોરી ફરાર

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં હવે ચોર મકાન-બંગલા અને ઓફિસની સાથે સાથે પોલીસ ચોકી પર પણ હાથ ફેરો કરવા લાગ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકીમાં કોઈ અજાણ્યા શખ્સો ઘુસીને ટ્રાફિક મેમો બુક સહિત ૮ હજારની મતાની ચોરી કરી ગયા છે. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.એલ.ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મગનભાઈ શાહીબાગ અંડરબ્રીજ બીટમાં ફરજ બજાવે છે. તેઓને વહેલી સવારની ડ્યુટી હોવાથી તેમની સાથેના ટીઆરબી જવાન અને અન્ય પોલીસના માણસો સાથે તેઓ ફરજ ઉપર આવ્યા હતા. શુક્રવારે સવારે તેઓ તેમના માણસો સાથે શાહીબાગ સર્કલ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ ઉપર હતા. ત્યારે અન્ડર બીજ ટ્રાફિક ચોકીનો દરવાજો ખુલ્લો હતો. જેથી ચોકીમાં જઈને તપાસ કરતા એક લોખંડની પેટી જણાઈ આવી નહોતી.જેથી તેઓએ તેમના પી.એસ.આઇ વી.બી ચૌહાણને આ અંગે જાણ કરી હતી. આ પેટીમાં સરકારી સામાન રાખવામાં આવતો હતો. આ પેટીમાં ૨ મેમો બુક હતી. જ્યારે એક સરકારી બુલેટની લોગબુક પણ તેમાં હતી અને સાથે એક સરકારી વાયરલેસ સેટ અને તેનું ચાર્જર હતું. આ તમામ વસ્તુઓ એક પેટીમાં રાખેલી હતી તે પેટી કોઈ અજાણ્યા શખ્શો ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ તેઓએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ એક જ કરી તપાસ શરૂ કરી છે.