પોલીસ અધિકારી દ્વારા એક તરફી વલણ સામે કલેકટરને રજૂઆત

  • પ્લોટ બાબતે થયેલ હુમલામાં
    જો યોગ્ય કાર્યવાહી નહી કરાય તો આત્મવિલોપનની ચીમકી અપાઈ

ભુજ : નખત્રાણાના અધોછની મધ્યે પ્લોટ બાબતે થયેલ ઝઘડામાં ખૂન કરવાની કોશિશ સાથેના હુમલામાં ઘાયલ વ્યકિતને ખોટા કેસમાં ફસાવીને તપાસ કરનાર અધિકારી દ્વારા એક તરફી વલણ અપનાવાના આક્ષેપો સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ હુમલા કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહી આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી અરજદાર દ્વારા અપાઈ છે. પ્લોટ બાબતે નિર્લમકુમાર અમરત ગરવા પર આરોપીઓ દ્વારા તા.૧૪/૩ના ખૂન કરવાની કોશિશ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેને પ્રથમ નખત્રાણા બાદ સારવાર માટે જી.કે. જનરલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તા.૧પ/૩ના પોલીસ ફરિયાદ કરાઈ હતી. ફરિયાદમાં પોલીસ અધિકારીના એક તરફી વલણના કારણે આઈપીસીની કલમો ૩રપ, ૩ર૬, ૩૦૭ લગાડીને આરોપીઓને પકડવામાં ઢીલાશ કરી હતી. ઉપરાંત નખત્રાણા લોકઅપમાંથી બહાર કાઢી પંખાની હવા ખવડાવાના બનાવ સીસીટીવીની તપાસ દરમિયાન જોઈ શકાય છે.ઉપરાંત નિર્લમકુમાર સામે પોકસો સહિતની કલમો લગાડી ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તેવા આક્ષેપો કર્યો હતો. આ કેસની તપાસ અન્ય અધિકારીને સોપવામાં આવે તો સચ્ચાઈ સામે આવે તેમ છે. આ કેસના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહી આવે તો કલેકટર કચેરી સામે બે બાળકો સાથે આત્મવિલોપન કરવાની ચીમકી અરજદાર મિનાક્ષીબેન નિર્લમકુમાર ગરવા દ્વારા અપાઈ છે. આ અંગે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.