પૂર્વ કચ્છ પોલીસનો સપાટો : ૪૩.૫૯ લાખનો દારૂ ઝડપ્યો : બુટલેગરોમાં ફફડાટ

  • ગુજરાત સરકારની દારૂબંધી નીતીની કડક અમલવારી

પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની ટીમની મહેનત રંગ લાવી

સુરજબારી-સામખીયાળી-મીઠીરોહર-અંજાર સહિતના અલગ અલગ સ્થળેથી ૪૩ લાખથી વધુનો શરાબ ઝડપી પાડયા : પૂર્વ કચ્છ પોલીસની સતર્કતાથી દારૂડીયા તત્વોમાં ખળભળાટ

જો કે, વાગડના કુખ્યાત બુટલેઘરોએ હવે અંજાર-ગાંધીધામ આસપાસના પટ્ટાને દારૂ કટિંગ સેન્ટર બનાવ્યુ હોવાનો દેખાયો છે વર્તારો : કુખ્યાત ભાગેડુ જાહેર કરાયેલા બુટલેગરોને પૂર્વ કચ્છ પોલીસ હવે પકડી ધાક બેસાડતો દાખલો પુરવાર કરે તે જરૂરી

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાને માટે અલગ અલગ પ્રકારના નવતર કાયદાઓ સતત અમલી બનાવવામા આવી રહ્યા છે જે સલગ્ન દારૂબંધીને લગતી પણ વધુને વધુ સખ્ત જોગવાઈઓ કરવામા આવી રહી છે ત્યારે કચ્છ બોર્ડર રેન્જના વડા શ્રી મોથાલીયાના નેતૃત્વ તળે અને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલના સીધા માર્ગદર્શન સાથે પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા પણ આખાય વિસ્તારમા અલગ અલગ જગ્યાએથી આજ રોજ તગડી માત્રામાં મસમોટા દારૂના જથ્થાઓ પકડી અને રીતસરનો જ સપાટો બોલાવી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. પૂર્વ કચ્છમાં સુરજબારી, સામખીયાળી, મીઠીરોહર તથા અંજાર સહીતના અલગ અલગ વિસ્તારોમાથી આજ રોજ પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા પૂર્વ બાતમીઓના આધારે વોચ ગોઠવી અને આવા દારૂના મસમોટા જથ્થાને પકડી પાડવાની સતર્કતા ભરી કામગીરી કરી દેખાડી છે. આ પ્રકારની ધાક બેસાડતી કાર્યવાહીના પગલે બુટલેગર લોબીમાં પણ રીતસરનો ફફડાટ જ ફેલાઈ જવા પામી ગયો હોવાનો વર્તારે સામે આવવા પામી રહ્યો છે. તો વળી બીજીતરફ જાણકારો દ્વારા એવી અપેક્ષાઓ પણ હવે સેવામા આવી રહી છે કે, અગાઉ જે વાગડ પટ્ટો દારૂના કટિંગનો હબ બની ગયો હતો તે હવે કયાંક ને કયાંક ગાંધીધામ અને અંજાર સહિતના ગ્રામીણ પટ્ટાને કેન્દ્ર બનાવી દેવામા આવ્યુ હોય તેવી રીતે અહીથી છાશવારે લાખોના દારૂના મસમોટા જથ્થાઓ પકડવામા આવી રહ્યા છે. પૂર્વ કચ્છે કરેલી કાર્યવાહીને તો હાલમાં આવકાર મળી જ રહ્યો છે પરંતુ તેની સાથોસાથ જ હવે કુખ્યાત અને ભાગેડુ જાહેર થયેલા અને દારૂ મંગાવનારા મસમોટા અને કુખ્યાત બુટલેગરોને પૂર્વ કચ્છ પોલીસ પકડે, દારૂબંધીના સરકાર દ્વારા અમલી બનાવાયેલા નવા કાયદા તળે તેમની સામે ધાક બેસાડતી કડક લાલઆંખ કરી દેખાડે તે જ સમયની માંગ બની રહી છે.

  • સુરજબારી – સામખિયાળી હાઈવે પરથી ૧૩.પ૧ લાખનો દારૂ – બીયર ઝડપાયો

પૂર્વ કચ્છ એલસીબીએ ધોંસ બોલાવીને હરિયાણાથી ગાંધીધામના ગળપાદરમાં ઉતરનાર શરાબનો જથ્થો ઝડપ્યો : રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, ગળપાદરના બુટલેગરનું ખુલ્યું નામ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : ભચાઉ તાલુકાના સુરજબારી – સામખિયાળી હાઈવે પર કટારિયા નજીકની હોટલ અજંતા નજીકના પુલ પાસે પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડીને ટ્રક માંથી વિક્રમી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે પાડેલા દરોડામાં પોલીસે ૧૩.પ૧ લાખના શરાબ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી, તો ગળપાદરના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યાનું સામે આવતા તેની વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી પૂર્વ કચ્છ એલસીબીનો સ્ટાફ દારૂ, જુગારની બદીઓેને નેસ્ત નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન મળેલી બાતમી હકિકતના આધારે સુરજબારી – સામખિયાળી નેશનલ હાઈવે પર કટારિયા નજીક આવેલી અજંતા હોટેલ સામેના પુલ પાસે પોલીસે વોચ ગોઠવીને જીજે.૬.એ.યુ. ૯૯૬૩ નંબરની ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બીયરની ૯૩૧૦ નંગ બોટલ કિંમત રૂા. ૧૩,પ૧,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મુદ્દામાલ હરિયાણાના રોહતકથી ભરીને ટ્રક મારફતે ગાંધીધામના ગળપાદરમાં ડીલીવરી આપવાનો હતો. પોલીસે દરોડા દરમ્યાન રાજસ્થાનના નાગોર જિલ્લાના છોટી ખાટુમાં રહેતા આરોપી ટ્રક ચાલક સતપાલ છીતરસિંગ રાજપુતની ધરપકડ કરી હતી. આરોપીની પુછતાછમાં આ મુદ્દામાલ મંગાવનાર ગળપાદરના મનસુખ ચમનભાઈ વાળંદને ડીલીવરી કરવાનો હતો.પરંતુ માલ ગાંધીધામ પહોંચે તે પહેલા જ પોલીસે કટારિયા નજીકથી ઝડપી પાડયો હતો. બનાવને પગલે એલસીબી દ્વારા સામખિયાળી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરોડામાં પોલીસે ૧૩.પ૧ લાખના શરાબ ઉપરાંત ૧૦ લાખની ટ્રક અને ત્રણ મોબાઈલ ફોન તેમજ ૩પ૦૦ની રોકડ રકમ મળીને કુલ્લ ર૩,પ૭,પ૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે આગળની તપાસ પૂર્વ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ પી. કે. ગઢવી ચલાવી રહ્યા છે.

  • અંજાર પોલીસે રોડ બંધ કરાવી ભચાઉથી આવતો ૧.૧૮ લાખનો શરાબ ઝડપ્યો

ખેડોઈ તરફ દારૂ આવતો હોવાની બાતમીના આધારે કરાઈ કાર્યવાહી : ૩.૭૮ લાખના મુદ્દામાલ સાથે નાની ખેડોઈના શખ્સની ધરપકડ, ભચાઉવાસી હાજર ન મળ્યો

અંજાર (ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા) : દારૂની વધતી બદી વચ્ચે અંજાર પોલીસે ફિલ્મી ઢબે કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રોડ બંધ કરાવી અંજાર પોલીસે અલ્ટો કારમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે નાની ખેડોઈના યુવાનની ધરપકડ કરી હતી. અંજાર પીઆઈ એમ.એન. રાણાને બાતમી મળી હતી, કે અલ્ટો કાર નંબર જી.જે. ૧૧ એએસ ૬પપ૪ વાળી કારમાં વિદેશી દારૂ ભરી ગાડી ભચાઉથી ખેડોઈ આવવાની છે. જેના આધારે વર્ક આઉટ કરી વર્ણન મુજબની ગાડી અંજાર બાજુ આવતા પોલીસ સતર્ક થઈ હતી. ગાડી નજીક આવતા રોડ બ્લોક કરાવી ગાડી ઉભી રાખી તેમાંથી નાની ખેડોઈના રપ વર્ષિય સંદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવાયો હતો. કારમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩૦૦ બોટલો કિ.રૂા. ૧,૧૦,૯૪૦ તેમજ બિયરના ૭ર ટીન કિંમત રૂપિયા ૭ર,૦૦૦ અને અઢી લાખની કાર મળી કુલ રૂપિયા ૩,૭૮,૬૪૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. દરોડા દરમિયાન ભચાઉનો ઉમેશ ચૌહાણ હાથ લાગ્યો ન હતો.

  • મીઠીરોહરમાં એરંડાના ખેતરમાંથી ર૮.૯૦ લાખનો દારૂ ઝડપાયો
    ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ૬૩૦ પેટી દારૂ, ૪૦ બોકસ બીયરના ટીન ઝડપ્યા : મીઠીરોહરનો બુટલેગર દરોડા દરમ્યાન પોલીસના હાથમાં ન લાગ્યો

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં એક ખેતરમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને ર૮.૯૦ લાખનો દારૂ – બીયર ઝડપી પાડયો હતો. ખેતરમાં વાવેલા એરંડાની વચ્ચે દારૂ – બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો, જેની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દારૂ ઝડપ્યો હતો, પરંતુ આરોપી હાજર મળ્યો
ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચના અન્વયે ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પીઆઈ એસ. એસ. દેસાઈના માર્ગદર્શન તળે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બી ડિવિઝન પીઆઈ એસ. એસ. દેસાઈને મળેલી ભરોસપાત્ર ખાનગી બાતમી હકિકતને આધારે મીઠીરોહરમાં આવેલ રૂચી સોયા કંપની સામેના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ખેતરમાં વાવેલા એરંડાની વચ્ચે મોટી માત્રામાં શરાબનો જથ્થો છુપાવાયો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા ર૮,૯૦,ર૦૦/-નો દારૂ – બીયર ઝડપાયો હતો. પોલીસના દરોડામાં ર૭.૯૪ લાખની વિદેશી દારૂની ૬૩૦ પેટી તેમજ ૯૬ હજારના બીયરના ૪૦ બોકસ મળી આવ્યા હતા. પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ આ દારૂનો જથ્થો મામધ અધા સોઢાના કબજાનો હતો.
દરોડા દરમ્યાન આરોપી ઘટના સ્થળે હાજર મળ્યો ન હતો. પોલીસે દારૂ – બીયરનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહીબીશન ધારા હેઠળ આરોપી વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.