પૂર્વ કચ્છના લોકો માટે લીલાશા કોવિડ કેર સેન્ટર આશિર્વાદરૂપ

જિલ્લાના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ કોવિડ દર્દીઓને અપાતી સારવાર અંગે કરી સમીક્ષા : સ્થાનિક આગેવાનો દ્વારા સ્ટાફ સહિતના પ્રશ્નો રજૂ કરાયા : જરૂર જણાય તો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પણ તૈયારી

ગાંધીધામ : કચ્છમાં કોરોના મહામારીના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. સંક્રમણનો વ્યાપ વધવાની સાથે મોતના દરમાં પણ ઉછાળો આવ્યો છે. સારી સારવાર મેળવવા માટે દર્દીને રઝળપાટ કરવી પડે છે. લાઈનોમાં ઉભવું પડે છે. નિયંત્રણ બહાર ગયેલા કોરોનાક વાયરસના કારણે આ સરહદી જિલ્લે મેડિકલ ઈમરજન્સી તરફ ધકેલાઈ રહ્યો છે. સમાજો, દાતાઓ પણ વ્હારે આવી રહ્યા છે. સૌનો સાથ સહકારથી આપણે કોરોના મહામારીને મ્હાત આપી શકીશું. કચ્છમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા સચિવ નિમવામાં આવ્યા છે. પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ કોરોનાની ભુજમાં સમીક્ષા કર્યા બાદ ગઈકાલે બપોર બાદ ગાંધીધામ ખાતે આવેલા લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરની સમીક્ષા મુલાકાત લીધી હતી. દર્દીઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવે છે. કઈ – કઈ ખુટતી કડીઓ છે તે સહિતની બાબતો જાણી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું કે, પૂર્વ કચ્છના લોકો માટે લીલાશા કુટિયા કોવિડ કેર સેન્ટર આશિર્વાદરૂપ છે. આ સેન્ટરમાં તબીબી સ્ટાફ વધારવામાં આવે તે સંદર્ભે સચિવ જે.પી. ગુપ્તા પાસે રજૂઆત કરાઈ છે, જેમાં નર્સિંગ અને હાઉસ કીપિંગ સ્ટાફ વધારવામાં આવે તે માટે ધ્યાન દોરાયું છે. લીલાશા કુટિયા કોવિડ કેર સેન્ટરમાં ૩૦૦ પથારી કાર્યરત કરવાની હૈયા ધારણા અપાઈ છે. હાલમાં ૧પ૦ નોર્મલ પથારી છે, પર ઓક્સિજનના બેડ કાર્યરત છે, બીજા ૪૦ બેડમાં ઓક્સિજન પાઈપ પાથરવાની કામગીરી શરૂ કરી છે, જે મંગળવારે રાત સુધી પૂર્ણ થશે, જેથી ઓક્સિજનના ૧૦૦ બેડ અને નોર્મલ પથારીના ૧૩૦ બેડ ઉપલબ્ધ રહેશે. ખાસ તો ઓક્સિજન બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. અન્ય કોઈ સ્થળેથી આ સેન્ટરમાં ઓક્સિજન લાવવો ન પડે એ માટે અહીં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા સચિવશ્રીને અનુરોધ કર્યો હતો. જેથી રૂા. ૩૦ લાખના ખર્ચે નેચરલ ગેસ મેન્યુ ફેકચરીંગ પ્લાન્ટ ઉભો કરવાની પણ તૈયારી છે. આ કોવિડ કેર સેન્ટર માટે ખાસ તો લીલાશા ટ્રસ્ટના સૌ કોઈ આભારી છે કારણ કે તેઓએ કોવિડની મહામારીમાં લોકોને મદદરૂપ થવા પોતાની પ્રોપટી આપી છે. લીલાશા ટ્રસ્ટ સાથે અગ્રવાલ સમાજ, ભારતીય વિકાસ પરિષદ, આશિષ જોષી, પંકજ ઠક્કર સહિત સંંસ્થાઓ અને દાતાઓના સહકારથી કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારવાર અપાય છે. આ સેન્ટરમાં અલગ – અલગ રૂમ, રૂમ દીઠ બાથરૂમની સવલત હોવાથી દર્દીઓને તમામ સવલતો મળી રહે છે. સંત લીલાશાની ધરતી પર કોવિડ દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.આ મુલાકાત વેળાએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી ડો. વિમલ જોષી, મામલતદાર ચિરાગ હિરવાણિયા, ટીએચઓ ડો. દિનેશ સુતરિયા, કચ્છ ઉદયના ગંગારામભાઈ ભાનુશાલી, પંકજ ઠક્કર, આશિષ જોષી, સંજય ગર્ગ, બળવંત ઠક્કર સહિતના હાજર રહ્યા હતા.

કોરોનાકાળમાં કચ્છ માટે શ્રી ગુપ્તા બની રહ્યા છે ખરા સંકટમોચક..!

ગાંધીધામ : કચ્છ કોરોનાથી કણસી રહ્યુ છે. તંત્ર અને જાહેરજીવનના પદાધીકારીઓ દ્વારા સતત પ્રયાસો બાદ પણ સ્થિતી અનિંયંત્રિત જ રહી હોવાની હાલત ઉભી થઈ હતી બરાબર ત્યારે જ રાજય સરકારે કચ્છથી જેઓનો અઢીદાયકા જુનો સબંધ છે તેવા સિનિયર આઈએએસ અધિકારી જે પી ગુપ્તાને કોરોનાની કમાન સોપતા જ કચ્છમાં તેઓએ ધડાધડ બેઠકો લઈ અને નિર્ણયો લેવાના શરૂ કરી દેતા તેઓના આગમનના બે જ દીવસમાં અડધોઅડધ કચ્છને સતાવતી સમસ્યાઓ હળવી બની ગઈ હોવાનો અહેસાસ થવા પામી રહ્યો છે.નોધનીય છે કે, શ્રી ગુપ્તા વાવાઝોડાની હોનારતની ઘટના અને ભુકંપ જેવી મહાઆફતો ટાંકણે પણ કચ્છને મુશ્કેલીઓમાથી ઉગારવામાં યશસ્વી સેવા બજાવી હતી. હાલમાં પણ કોરોનામાં તેઓના આગમન બાદ તંત્રનુ સંકલન વધી રહ્યુ છે, વ્યવસ્થા વધારે સુદ્રઢ બની રહી હોવાનો અહેસાસ થવા પામી રહ્યો છે. એટલે શ્રી ગુપ્તાના આગમનથી કોરોનાના દર્દીઓ અને સબંધીઓને પણ મોટી રાહત થવા પામી રહી છે.

પૂર્વ કચ્છમાં કંડલા કોમ્પલેક્ષની વસ્તી અને દર્દીઓની સંખ્યા જ છે સવિશેષ : કોરોનાને લઈને આ બાબત ધ્યાને રાખી લીલાશા કોવિદ કેરને પણ કચ્છ યુનિ.સમરસ કોવિદ કેર સમાન વિકસાવવા બાબતે પણ કરવો જોઈએ ગંભીર વિચાર

  • અંજારમાં પણ પ્રભારી સચિવની મિટીંગ


અંજાર : પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ અંજારની મુલાકાત લઈ સ્થાનિક એનજીઓ, સંગઠને અને આરોગ્ય – વહિવટીતંત્રના જવાબદારો સાથે પ્રાંત કચેરીમાં મિટિંગ યોજી હતી, જેમાં ઐતિહાસિક શહેરમાં કોરોનાને નિયંત્રણમાં લેવા અને સેવાઓ વધારવા બાબતે ચર્ચા કરાઈ હતી.

હેડીંગ : હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફની સેવા ભાવનાને સલામ
ગાંધીધામ : લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરમાં પોતાના જીવની પરવા કર્યા વગર તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીઓની સંભાળ લેવામાં આવી રહી છે. સ્ટાફના પ્રયત્નો થકી જ અત્યાર સુધી ૧૦૦થી વધુ દર્દીઓ અહીં સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ડોકટરો અને મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવા માટે આજથી નવી સેવા શરૂ કરાઈ છે, જેમાં મેડિકલ સ્ટાફને ઓલ ટાઈમ ભોજન સહિતની સેવા આપશે. આ સેન્ટરમાં ડો. પાર્થ જાની, ડો. રમેશ ચૌધરી સહિતના સતત દિવસ – રાત ફરજ બજાવી રહ્યા છે. દાતાઓ અને સમાજોએ કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું પણ મેડિકલ સ્ટાફની સતત ર૪ કલાકની મહેનત થકી જ દર્દીઓ આશ લઈને આ સેન્ટરમાં આવે છે.

૪૦૦ બેડની કેપીસીટી થઈ શકે, વેન્ટીલેટરની પણ વિચારણા
ગાંધીધામ : પૂર્વ કચ્છના કોવિડ પોઝિટીવ દર્દીઓને સ્થાનિકે જ સારવાર મળી રહે એ માટે લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરની સેવાઓનો વ્યાપ વધારવાની દિશામાં પણ પ્રયાસો ચાલુ છે. અનિલ જોષીએ જણાવ્યું કે, હાલમાં રપ૦ બેડ તો કાર્યરત છે પણ અહીં ૪૦૦ બેડની કેપીસીટી ઉભી થાય તેવી વ્યવસ્થા છે.આટલી સુવિધા હોવા છતાં વેન્ટીલેટર કેમ નહીં ? તેવો સવાલ પુછતાં જણાવ્યું કે, આ કોવિડ કેર સેન્ટર છે, જેમાં માત્ર દર્દીઓને સારવાર અપાય છે અમે ઓક્સિજનની સેવા પણ શરૂ કરી છે. વેન્ટીલેટર રાખવા માટે પણ વિચારણા છે. હાલમાં રામબાગ હોસ્પિટલ ખાતે પાંચ વેન્ટીલેટર છે, જેથી ગંભીર દર્દીઓને રામબાગમાંં મોલવામાં આવે છે.