પુનડી બોકસાઈડ ચોરીકાંડમાં ભેદભરમ : ‘આરંભે સુરા’વાળો જ કેમ થઈ ગયો તાલ ?

  • મને એ જ સમજાતું નથી..શાને આવુ થાય છે..!

જો પોલીસ કડક તપાસ જ કરી છે, સાધનીક-દસ્તાવેજો મજબુત જ એકત્રીત કર્યા છે, તો પછી આગોતરી જામીનની સામે અપીલમાં ઉપલી અદાલતમાં જવાની કેમ નથી આદરતી તજવીજ ? જાણકારોના યક્ષ સવાલ

કરોડોના બોકસાઈડ પ્રકરણમાં મસમોટી કંપનીઓ અને તેના ડાયરેકટર સામે થયેલી ફરીયાદમાં રાહત થઈ જવા મુદ્દે તર્કવિર્તકો : ૧૩ લોકો સામે નામજોગ ફરીયાદ દાખલ થઈ, સાધનો-બોકસાઈટનો તગડો જથ્થો બરામદ કરાયો, પશ્ચીમ કચ્છ એસપી સૌરભસિંગે ચમરબંધીઓ સામે સાડાબારી રાખ્યા વિના જ કરી દીધી લાલઆંખ, પરંતુ આટઆટલી ખનીજચોરીવાળાઓને મળી જાય રાહત, ત્યારે તપાસમાં કયાં કાચું કપાઈ ગયુ? તેવા સવાલો તો થવાના જ..!

ખાટલે મોટી ખોટ : બોકસાઈટ ખનન કચ્છમાં ખાનગી પ્રાઈવેટ કંપનીઓને બાધ-બેન-પ્રતિબંધ છે, છતાં પુનડીમાં આટઆટલા મોટા પ્રમાણમાં બોકસાઈટનો જથ્થો ઉસેડવામાં આવતો હોવાના પ્રકરણને ભુલ-ચુક કે ગફલત તો માની જ ન શકાય..! તેમાં પણ વરસો જુની કંપનીઓ જો બોકસાઈટ ઉસેડતી હોય તો તેને તો આયોજનબદ્ધ કાવતરું જ માનવુ રહ્યુ..! : આ રીતે ખુલ્લેઆમ કરોડોની ખનીજચોરી કરનારાઓની સામે તો કાયદાકીય રીતે થવી જોઈએ કડકમાં કડક નશ્યત કરતી કાર્યવાહી, પરંતુ અહી તો ફરીયાદમાં નામો ચડાવાયા અને હવે તમામે તમામ જામીન પર થઈ ગયા મુકત?

ગાંધીધામ : મને એ જ સમજાતું નથી કે શાને આવુ થાય છે.., ફુલડા ડુબી જાય છે..ને પથરા તરી જાય છે.ખનીજચોરી-બોકસાઈડ કાંડ માંડવીના પુનડીનો તાજેતરમા જ મોટા પ્રમાણમાં ગાજી ગયો હતો. પુનડીમાં પશ્ચીમ કચ્છ એસપીશ્રી સૌરભસીંગ દ્વારા કડકાઈભરી લાલઆંખ કરતી કાર્યવાહી કરી અને અહી મસમોટી ચમરબંધી કંપનીના જવાદબારો સહિતનાઓને કાયદાની ગિરફતમાં લઈ અને તેઓની સામે ફરીયાદ દાખલ કરી દેવામા આવી હતી.
પશ્ચીમ કચ્છ એસપી સૌરભસીંગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી કોઈ નાની સુની ન કહી શકાય. અંદાજિત દોઢથી બે કરોડનો બોકસાઈટનો જથ્થો, સાધનો-વાહનો સહિતનો મુદામાલ કબ્જે કરી લેવામા આવ્યો હતો. ખાણખનીજ વિભાગને ઉંઘતા જડપી અને પોલીસતંત્રએ અહી સપાટો બોલાવી દીધો હતો એટલુ માત્ર જ નહી પણ એસપી શ્રી સીંગ દ્વારા ફરીયાદ નોધી અને તેમાં આશાપુરા તથા માનિકો કંપનીના પણ જવાબદારોના નામો દર્શાવી દેવામા આવતા આખાય કચ્છમાં એકચોટ સોપી જ પડી જવા પામી ગયો હતો અને ખનીજચોર લોબીમાં પણ મોટાપાયે ફફડાટ જ ફેલાઈ ગયો હતો. આશાપુરા કંપનીના ડાયરેકટર સહિતનાઓને ફરીયાદમાં લીધા છે ત્યારે હવે જરૂરથી મજબુત પુરાવા-સાધનીક દસ્તાવજો તપાસનીશ અધિકારીઓ પાસે હોવા જોઈએ અને તેના આધારે જ આ કેસમાં કચ્છ સહિત ગુજરાતમાં મોટો દાખલો પુરવાર થાય તેવી કાર્યવાહી થવા પામશે તેવો આશાવાદ સેવાતો હતો પરંતુ બોકસાઈટ ચોરી કાંડમાં તો આરંભે સુરાવાળો તાલ થઈ ગયો હોય તેમ કયાંક ને કયાંક આ આખાય પ્રકરણમાં ઠંડુ પાણી રેડાતુ હોય તેવી રીતે ફરીયાદમાં દર્શાવેલા તમામે તમામ આરોપીઓ આગોતરા જામીન મેળવી અને રાહત પામી ગયા છે.
અત્રે સવાલો ઉઠી રહ્યા છે કે, પોલીસતંત્રએ તપાસમાં શુ ઉકાળ્યુ? આટઆટલી મસમોટી ચોરી થઈ હોવા છતા શું તપાસનીશો પાસે મજબુત આધાર-પુરાવાઓ ન હોતા જે નામદાર અદાલતમાં ટકી શકે? કડક અને મજબુત પુરાવા એકત્રીત કરવામાં તપાસનીશો કયાં વામળા પુરવાર થયા? આ પ્રકારના અનેકવીધ સવાલો હવે ખડા થવા પામી રહ્યા છે. તપાસમાં કયાં કાચુ કપાઈ ગયુ કે તમામે તમામને રાહત મળી જવા પામી ગઈ? જો તપાસનીશોએ અહી કડક જ કાર્યવાહી કરી મજબુત આધારો જ આપ્યા હોય છતા પણ રાહત મેળવી ગયા હોય તેમ બન્યુ હોય તો તપાસનીશ પોલીસતંત્ર કેમ આ નિર્ણયની સામે અપીલમાં ઉપરની નામદાર અદાલતમાં દાદ મેળવવાની કોઈ તજવીજ કરતી નથી દેખાતી? આટઆટલા ગંભીર પ્રકરણ, એસપીશ્રી સીંગ દ્વારા હિમંતભરી કડકાઈ કરાઈ, ચમરબંધી જેવાઓને કાયદાનુ એકચોટ ભાન કરાવી દીધુ, અને હવે તહોમતદારો આગોતરાની રાહત મેળવી જાય તો તેની સામે તર્કવિતર્કો તો થવાના જ છે.

ખનીજ ચોરીની મુળ રકમ મુદ્દે તંત્રની ખો-ખો

ગાંધીધામ : નોંધનીય બાબત એ છે કે, આ કેસમાં ફરિયાદ તો થઈ, પરંતુ ખનીજ ચોરીનો આંક કેટલો તેની વિગત આપવામાં સરકારી તંત્રો એક બીજાને ખો આપી રહ્યા છે. પોલીસે કાર્યવાહી કરી, પરંતુ કેટલી ખનીજ ચોરી પકડાઈ તેની વિગતો અપાતી નથી તો ખાણ ખનીજ વિભાગ પણ કેટલી માત્રામાં અને કેટલા રકમનું બોકસાઈટ ચોરાયું તેની વિગત આપવામાં એક બીજાને ખો આપે છે. આગેવાનો સામે ફરિયાદ નોંધતું તંત્ર આ વિગતો આપી ખનીજ ચોરોમાં ધાક બેસાડે તે જરૂરી છે.

પશ્ચીમ કચ્છ એસપી શ્રી સૌરભસિંંગ ગોર ફરમાવે

ગાંધીધામ : પશ્ચીમ કચ્છ સરહદી વિસ્તાર છે. સીમાવર્તી ક્ષેત્રના રખોપા કરવાની દીશામાં ખરા ઉતરી રહેલા પશ્ચીમ કચ્છના એસપી કાયદો અને વ્યવસ્થાને લલકારના સૌ કોઈને બરાબરનો પાઠ ભણાવી રહ્યા છે. પુનડીના બોકસાઈડ કાંડમાં પણ કરોડોના મુદા-માલ કબ્જે કરવાથી લઈ અને ચમરબંધીઓની પણ ફરીયાદોમાં નામો દેખાડવાની હિમંત આ એસપીશ્રીએ જ કરી છે. પરંતુ હવે આ પ્રકરણમાં તમામ તહોમતદારોને રાહત મળી જવા પામી છે ત્યારે પશ્ચીમ કચ્છ એસપી ખુદ આ કેસમાં ઘનિષ્ઠ તપાસ કરાવડાવે કે તપાસમાં કયાંક કાચુ તો નથી કપાયુ ને? અને જો આધાર-પુરાવા મજબુત જ હોય તો હકીકતમાં આ તમામની સામે ઉપરની અદાલતમાં પણ પોલીસે દાદ માંગવી જ ઘટે.

માનિકો-આશાપુરા કંપનીના જવાબદારો સહિત આ તમામની સામે નોંધાઈ હતી ફરીયાદ

ગાંધીધામ : માનિકો કંપની અને તેની સંલગ્ન આશાપુરા કંપનીના જવાબદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં આશાપુરા ગ્રૂપના માલિક ચેતન નવનીતભાઈ શાહ, વાઈસ પ્રેસિડેન્ટ પ્રકાશ કાંતિલાલ ગોર, સુપરવાઈઝર સુધીરકુમાર નંદલાલ પાઠક, હેમલભાઈ શાહ, ધર્મરાજ શાહ, પ્રદ્યુમનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અર્જુન નાંદોસાહુ, શંકર ગોંવિંદ યાદવ, સિકરાદાસ મોતીદાસ તેમજ સલીમ સતાર કુંભાર સામે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

તમામ આરોપીઓના આગોતરા જામીન મંજૂર
આશાપુરા કંપનીના જવાબદારો સહિતના મોટા ગજાના વ્યક્તિઓ સામે માંડવી પોલીસમાં થઈ હતી ફરિયાદ

ભુજ : માંડવી તાલુકાના પુનડી ગામે એલસીબીએ દરોડો પાડી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. જે કેસમાં આશાપુરા કંપનીની મિલિભગત પણ સામે આવી હતી. તપાસ બાદ કચ્છના ઈતિહાસમાં પ્રથમ વખત મોટા ગજાના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ વખત વગદારો સામે ફરિયાદ થતા આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે, તમામ આરોપીઓના આગોતરા જામીન શરતોને આધારે મંજૂર થયા છે. આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ બાહોશ એસ.પી. શ્રી સૌરભસિંહની સુચના પશ્ચિમ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માંડવીના પુનડી નજીક દરોડો પાડી બોક્સાઈટના ગેરકાયદે ઉત્ખન્નનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં માપણી, ખનીજના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી જે બાદ તપાસમાં કંપનીના જવાબદારો દોષિત દેખાયા હતા.કચ્છમાં પ્રથમ વખત મોટા ગજાના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા ખનીજ વ્યવસાયકારોમાં પણ સોંપો પડી ગયો હતો. ત્યારે આ કેસમાં તમામ આરોપીઓના આગોતરા જામીન ભુજ સેશન્શ કોર્ટે મંજૂર કર્યા છે. શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે. જેમાં તપાસમાં સહકાર આપવો, કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવા, ર૪થી ર૬ ત્રણ દિવસ સુધી ૧૧થી પ વાગ્યા સુધી તેઓ હાજર રહ્યા હતા, રપ હજારના બોન્ડના આધારે આરોપીઓના આગોતરા કોર્ટે મંજૂર કર્યા હતા.