પુનડી પ્રતિબંધિત બોક્સાઈટ ચોરીનો આંક માત્ર ૧૪.૫૧ લાખ

  • કોણે કુલડીમાં ભાંગી દીધો ગોળ ? ઉચ્ચઅધિકારીઓ કરે કડક તપાસ

પોલીસ અને ખાણ-ખનીજ તંત્ર દ્વારા ખનિજ ચોરીનો ચોક્કસ આંક આપવામાં ગલ્લા-તલ્લા : એફઆઈઆરમાં માત્ર નજીવી રકમની દર્શાવાઈ ખનિજ ચોરી

પશ્ચિમ કચ્છ એસપી દ્વારા તટસ્થ તપાસ કરાવી સમગ્ર મામલે ધ્યાન કેન્દ્રીત કરાય તો કરોડોની ખનીજ ચોરીનો થાય ખુલાસો

ગાંધીધામ : માંડવી તાલુકાના પુનડી નજીકથી ઝડપાયેલી બોક્સાઈટની ખનિજ ચોરી અંગે ગત ૧પમી માર્ચે વિધિવત એફઆઈઆર નોંધાઈ હતી. જેમાં ૧ર શખ્સો સામે બોક્સાઈટ ખનિજ ચોરી અંગેનો ગુનો નોંધાવા પામ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના આગોતરા જામીન પણ મંજૂર થઈ ગયા છે ત્યારે ખનિજ ચોરીનો ચોક્કસ આંક આપવામાં ખાણ-ખનિજ તંત્ર અને પોલીસ દ્વારા ખો-ખો રમાઈ રહી છે ત્યારે સમગ્ર કેસમાં ઉંડાણપૂર્વક તટસ્થ તપાસ કરાય તેવી માંગ ઉઠી રહી છે. આ અંગેની વિગતો મુજબ માંડવી તાલુકાના પુનડી ગામે સીમ સર્વે નં.૪ર૦/ર૩ પર માનિકો મિનરલ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની માઈન્સ અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને બોક્સાઈટની ખનિજ ચોરી કરવામાં આવી હતી. જેમાં માનિકો મિનરલ્સ, આશાપુરા માઈનકેમ, આઈ આશાપુરા લોજિસ્ટ્રીક ટ્રાન્સપોર્ટના માલિક સહિતના ૧ર શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોધાઈ હતી. ખાણ ઉત્ખન્ન સહિતની કલમો તળે નોંધાયેલા ગુનામાં આરોપીઓએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા છે તો તપાસમાં પણ પોલીસ અને ખાણ ખનિજ તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવાતી હોવાની ચર્ચાઓ જાગી રહી છે. આ અંગે પોલીસ અને ખાણ ખનિજ તંત્ર પાસેથી બોક્સાઈટના જથ્થા અંગેની ચોક્કસ વિગતો માંગવામાં આવતા બન્ને તંત્રોએ એક બીજા પર ઢોળીને ચોક્કસ આંક આપવાનું ટાળ્યું હતું. જોકે, માંડવી પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી ફરિયાદનો આકલન કરતા ગાડીઓમાં ભરાયેલ રૂા.૮૬,૯૪૦ની કિંમતનો ૧૧પ.૯ર મેટ્રીક ટન બોક્સાઈટનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો તો સ્થાનિકે સંગ્રહ કરેલ રૂા.૧૩,૬૪,૭પર રૂપિયાની કિંમતનો ૧,૮૧૯.૬૭ મેટ્રીક ટન બોક્સાઈટનો જથ્થો જે-તે વખતે કબજે કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત ૧૪,પ૧,૬૯ર થવા પામે છે.

જવાબદારોની ખો-ખો.થી ખનીજચોરને બખ્ખા..!
માપણી કાર્ય-રોજકામની માહીતી ખાણખનિજથી મંગાઈ છે : શ્રી ગોહિલ
ગાંધીધામ : જાણકારોનું માનીએ તો કંપનીની લિઝમાં અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણે ખોદકામ કરવામાં આવ્યું છે તેની ખાણ-ખનિજ તંત્ર દ્વારા યોગ્ય માપણી કરાઈ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો તંત્રએ યોગ્ય રીતે માપણી કાર્ય અને રોજકામ કર્યું હોય તો તેની વિગતો આપવાનું શા માટે ટાળવામાં આવી રહ્યું છે. આ અંગે માંડવી પીએસઆઈ ગોહિલનો સંપર્ક સાંધતા તેમણે આ અંગેનો રિપોર્ટ આપવા ખાણ-ખનિજ તંત્રને જણાવાયું હોવાનું કહી રહ્યા છે તો ખાણ-ખનિજ તંત્રના જવાબદારો મૌન સેવી બેઠા છે.

તો ખા. ખ. વિભાગ – માંડવી પોલીસે શું તપાસ્યું ?
ગાંધીધામ : ફરીયાદીમાં દર્શાવાયેલી વિગતો જે-તે વખતે એલસીબીએ પાડેલી રેઈડ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા જથ્થાની છે. જેનો ઉલ્લેખ માંડવી પોલીસ મથકે નોંધાવામાં આવેલી એફઆઈઆરમાં કરાયો છે, પરંતુ વિધિવત એફઆઈઆર નોંધાયા બાદ ખાણ-ખનિજ વિભાગ અને તપાસનીશ માંડવી પોલીસના જવાબદાર અધિકારીએ શું કર્યું તે તપાસનો વિષય છે.

કચ્છ કલેકટર-પ.કચ્છ એસપી ખુદ કરાવે કડક તપાસ

ગાંધીધામ : પુનડી ખનીજચોરી પ્રકરણ નાનુ સુની ન હોતુ તે સૌ કોઈ સબંધિતો જાણે છે. આ એક પ્રાકરનુ હાઈપ્રોફાઈલ જ કહી શકાય તેવુ બોકસાઈડ ચોરીનુ મસમોટુ પ્રકરણ છે. પશ્ચીમ કચ્છ એસપી શ્રી સૌરભસીંગની શરૂઆતી કડકાઈભરી લાલઆંખ થકી જ તને પકડાયુ, ચમરબંધીઓના તેમાં નામો પણ ઉમેરાઈ ગયા, પણ પછી ચાલેલી તપાસ એકાએક જ ઠંડાબક્ષામાં મુકી દેવાઈ હોય તેમ કાર્યવાહી થતી હોવાનો વર્તારો જોવાઈ ગયો છે. હાલમાં પણ પ્રતિબંધિત બોકસાઈડની ચોરીનો સાચો આંક તંત્ર આપવામાં ગલ્લાતલ્લાની જ સ્થિતી આદરી રહ્યુ હોય તેમ દેખાય છે તેવામાં આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપી દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો બોક્સાઈટ ખનિજ ચોરીનો આંક કરોડોને આંબે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.