પુનડી ખનિજ ચોરી પ્રકરણ : ખાણ ખનીજ ખાતાના અધિકારી વિરુદ્ધ માંડવી કોર્ટમાં ફરિયાદ

જે તે સમયે પોલીસે જપ્ત કરેલા વાહનો મુક્ત કરવાના અભિપ્રાય માટે વહાલા-દવલાની નીતિનો આક્ષેપ કરાયો

માંડવી : ખાણ ખનિજ તંત્ર સમયાંતરે ચર્ચા અને વિવાદનું કારણ બનતું રહે છે ત્યારે આજે ખાણ ખનીજ અધિકારી વિરુદ્ધ માંડવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુનડી ગામની સીમમાં તારીખ ૨૫-૧૧-૨૦૨૦ ના રાત્રે ખનીજ ચોરીની રેડમાં ચાર વાહનો જપ્ત કરાયા હતા અને ત્રણ મહિના સુધી ખાણ ખનીજ ખાતા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરાઇ ન હતી. ત્યારબાદ તારીખ ૧૫-૩-૨૧ના એલસીબીએ ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે તપાસ હાથ ધરી વાહનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ સીઝ મુક્તિની પેનલ્ટીની રકમ રૂ ૧૬.૨૪ લાખ ચલણથી ભરી આપી દેવામાં આવી હતી. ચાર વાહનો પૈકી ત્રણ વાહનો માટે પોઝિટિવ અભિપ્રાય અને એક વાહન કે જે બીનવારસુ જપ્ત કરાયો હતો તે માટે નેગેટીવ અભિપ્રાય ખાણ ખનીજ દ્વારા આપવામાં આવતા વાહનો મુકત કરવા માટે વહાલા-દવલાની નીતિ અપનાવતા ખાણ ખનીજ અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વાહનના માલિક વિજય ભાઈ મનુભાઈ વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે સેશન્સ કોર્ટ એ પણ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દંડની વસૂલાત કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જજમેન્ટ આપ્યાનું જણાવી પોતાના વાહન હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીનની મુક્તિ માટે પોઝિટિવ અભિપ્રાય માટે ખાણ ખનિજ વિભાગે લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખાણ ખનીજ ખાતાના ભ્રષ્ટાચાર બાબતે કલેકટરને અરજી કરાઇ છે. ખાણ ખનીજ ખાતાના અધિકારીએ જાણી જાેઈને કરેલી ગંભીર બેદરકારી બદલ કલમ ૧૬૬, ૨૧૯ ફોજદારી ગુનો દાખલ કરવા વિજયભાઈ મનુભાઈ વૈષણવના વકીલ લક્ષ્મીચંદ ફુફલે માંડવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.