પાવરપટ્ટીના ખેડૂતોના એરંડા હડપ કરી નાણાં ન ચુકવનાર વેપારી બેંગ્લોરથી ઝડપાયો

ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડા ખરીદી ત્રણેક કરોડનું ફેરવ્યુ હતુ ફૂલેકું

નખત્રાણા : તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના ગામડાના ખેડૂતો પાસેથી ઉચા ભાવે એરંડાની ખરીદી કરીને કરોડોનું ફૂલેકું ફેરવનાર મંગવાણાના વેપારીને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. એરંડાની ખરીદી કરીને નાણાં ચૂકવવાના વાયદાઓ આપીને ગાયબ થઈ ગયેલા શખ્સને પોલીસે અંતે ઝડપી પાડ્યો છે. પાવરપટ્ટીના નિરોણા, ઓરીડા, બિબ્બર સહિતના ગામોના ખેડૂતો પાસેથી મંગવાણા ગામના શૈલેષ નાકરાણીએ ઉંચા ભાવે એરંડાની ખરીદી કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પાક ખરીદી પાછળથી નાણાં આપી દેવાની વાત કરીને લોકોને શીશામાં ઉતાર્યાં હતા. ખેડૂતોને નાણાં આપવાનું જણાવીને આરોપી ઘર-પેઢીને તાળાં મારી, મોબાઈલ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો હતો. ભોગગ્રસ્ત ખેડૂતો દ્વારા તેની શોધખોળ બાદ પણ પત્તો ન લાખતા શૈલેષ નાકરાણી વિરુધ્ધ નિરોણા પોલીસ મથકે છેતરપિંડીની અલગ અલગ છ જેટલી ફોજદારી ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદમાં તેની સાથેના માધાપરમાં રહેતા સુરેશ ભીમા રબારીને પણ સહઆરોપી દર્શાવાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. અને આરોપી શૈલેષ બેંગ્લોરમાં હોવાની બાતમી મળતાં એલસીબીની ટૂકડીએ ત્યાં ધસી જઈ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને ભુજ લાવીને પોલીસ દ્વારા તેની સઘન પૂછતાછ કરીને તેની વિધિવત ધરપકડ સહિત રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે.