પાલારા જેલમાં કેદીઓને સમાજની સંપદા બનાવવા ‘સકારાત્મક સફર’

અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને ભુજ ખાસ જેલ દ્વારા કેદી કલ્યાણ સુધારણાનો નવતર અભિગમ

ભુજ : અહીંની પાલારા જેલમાં જેલવાસ ભોગવતા કેદી બંધુઓ શિક્ષાની સાથે સમાજની સંપદા પણ બની શકે અને સમાજની સમીપે રહી શકે એ માટે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ – ભુજ દ્વારા કેદી કલ્યાણ અને સુધારણાના નવતર અભિગમ સાથે જેલમાં કેદીઓની ‘સકારાત્મક સફર’નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
જેલમાં કેદીઓના વાણી-વર્તનની વ્યવહાર કુશળતા જળવાય તથા સ્વ-વિકાસ સાથેનો અભિગમ કેદીઓ કેળવે તે હેતુસર શરૂ થયેલા આ કાર્યક્રમનુ મહત્વ કેદીઓને સમજાવતા જેલના અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે જણાવ્યુ હતું કે, કેદીઓને સભ્ય સમાજમાં રહેવા યોગ્ય બનાવવા આ તાલીમ ખૂબ જ ઉપયોગી બની રહેવાની છે. કેદી ભાઈ-બહેનોને તાલીમ આપતાસ્કિલ ડેવ.ના ભુજ સ્થિત ડો. પૂર્વીબેન ગોસ્વામીએ કહ્યું કે, જેલમુક્તિ બાદ કેદીઓ ઝડપથી સમાજમાં ભળી જઇ કાયદા અને નિયમનું જીવન જીવે એ પ્રકારના સુધારાનો આ કાર્યક્રમનો હેતુ રહ્યો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. અને સી.એસ.આર. વડા પંક્તિબેન શાહનું માર્ગદર્શન મળી રહ્યું છે. પંદર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં ભુજ અદાણી સ્કિલ ડેવ.ના હેડ સાગર કોટક, રોહન સોની, તથા પાલારા જેલના કે.ટી.ઝાલા, ઘનશ્યામ અગ્રાવત અને જયદેવસિંહ ટાંકે સહયોગ આપ્યો હતો. જ્યારે જેલના બંદી ભાઈ-બહેનો માટે આ કાર્યકમને જેલ વિભાગના રાજ્ય સ્તરીય વડા અધિક પોલીસ મર્હાનિદશકે આ આયોજનની સરાહના કરી હતી.