પાન્ધ્રો થર્મલ પાવરના કર્મચારીઓની માઠી ઉપર માઠી : સ્પે. એલાઉન્સ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ઠરાવતી ઔદ્યોગિક કોર્ટ

પાંચ યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવી હતી : મહત્વનો ચુકાદો

દયાપર : કોરોના કહેરમાં સરકારી કર્મચારીઓની દશા બેઠી હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે. હાલ સરકારની આવક ઘટતા હાલ કેટલાક કડક નિર્ણય લેવાનો આરંભ કરી દીધો છે. કચ્છના પાન્ધ્રો થર્મલ પાવર સ્ટેશન દ્વારા કર્મચારીઓને આપવામાં આવતું સ્પે. એલાઉન્સ બંધ કરવાના નિર્ણયને રાજકોટ ઔદ્યોગિક અદાલતે યોગ્ય ઠરાવી ચાલુ રાખવાની પાંચ યુનિયનોની માગણી રદ કરી છે.આ કેસની હકીકત મુજબ પાન્ધ્રોના ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પો. લી. લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન તંત્ર દ્વારા કર્મચારીઓને આપવામા આવતી સ્પે. ઈન્સેન્ટીવ સ્કીમ બંધ કરવાનો નિર્ણય લેવા સામે કંપની કર્મચારીઓના કાર્યરત અલગ અલગ પાંચ યુનિયન ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ, જી.ઈ.બી. એન્જિનિયર્સ એસોસિએશન, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, વિદ્યુત કામદાર સંઘ અને ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘ દ્વારા રાજકોટ ઔદ્યોગિક અદાલત સમક્ષ પડકારેલ અને સંસ્થાનું ઈન્સેન્ટીવ ૨દ કરવાનું પગલું ગેરકાયદે હોવાનું જાહેર કરવા અદાલતમાં વિવાદ ઉપસ્થિત કર્યો હતો.ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લી. કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન તરફે તેમના એડવોકેટ અનિલ એસ. ગોગિયા દ્વારા લેખીત વાંધા જવાબ ૨જુ કરી એવી રજુઆત કરેલ કે, સંસ્થા દ્વારા તા.૩૦-૧ર-૧પના સ્પે.ઈન્સ્ટેન્ટીવ સ્કીમ બંધ કરવાનો નિર્ણય કરેલ છે, તે યોગ્ય અને વ્યાજબી છે. બંને પક્ષોની દલીલો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ વગેરે ધ્યાને લીધા બાદ રાજકોટ ઔદ્યોગિક ન્યાય પંચના ન્યાયધીશ જે.કે. પંડયાએ સંસ્થાની રજુઆતો સાથે સહમત થઈ સ્પે. ઇન્ટેન્સીવ ચાલુ રાખવાની માંગણી રદ કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન પાંન્ધો તરફે એસ.બી. ગોગિયા એસોસિએટસના એડવોકેટ અનિલ. એસ. ગોગિયા, પ્રકાશ. એસ.ગોગિયા તેમજ સીન્ધુબેન એસ. ગોગિયા હાજર રહ્યા હતા.