પાન્ધ્રોમાં હોસ્પિટલની તપાસ માટે ગયેલી પોલીસ – આરોગ્યતંત્રની ટીમે શું કર્યું ?

કાર્યવાહી અંગે જવાબ લેવાતા બંને તંત્રોએ હાથ ઉંચા કરીને એકબીજાને આપી ખો… : રવિવારે બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી હોસ્પિટલમાં હતા ટીમોના ધામા… : તપાસમાં શું સેટીંગ થયું ભગવાન જાણે : ભુજ બી.ડીવીઝનના ડૉકટરના મુદ્દે એસપીની રજુઆતનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યાં અન્ય ચર્ચાઓ..

દયાપર : કોરોના કાળ વચ્ચે જિલ્લામાં અનેક મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા લોકોની દવાઓ કરીને આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે કાર્યવાહી કરીને કેટલાક ઊંટવૈદ્યોને ઝડપી પણ પાડ્યા છે, પરંતુ છેવાડાના લખપત તાલુકામાં માત્ર નામની કાર્યવાહી થતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. લખપતના પાનધ્રોમાં પોલીસ અને આરોગ્યતંત્ર દ્વારા કરાયેલી કામગીરી સામે સવાલો ઉદ્દભવી રહ્યા છે.

આ અંગેની વિગતો મુજબ લખપતના પાન્ધ્રોમાં નવસર્જન હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર નારાયણસરોવર પોલીસ અને આરોગ્ય તંત્રની ટીમે કાર્યવાહી કરી હતી, પરંતુ તપાસમાં શું સામે આવ્યું તે પુછતાં બંને તંત્રોએ એકબીજાને ખો આપીને રમત રમી રહ્યા છે. અંતરિયાળ લખપત તાલુકામાં કેટલાક મુન્નાભાઈ એમબીબીએસ તબીબો દ્વારા વગર ડિગ્રીએ ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરાઈ રહી છે. જેની અવાર નવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. તેવામાં નારાયણસરોવર પોલીસે પાન્ધ્રોમાં નવસર્જન હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં આરોગ્ય તંત્રની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરી હતી, પરંતુ તપાસમાં કાંઈ સામે ન આવ્યાનું જાણવા મળે છે.

આ અંગે નારાયણસરોવર પીએસઆઈ એમ.કે. ચૌધરી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તપાસ તો કરાઈ હતી. પણ તેમાં કાંઈ ખાસ નથી. વધુ વિગતો આરોગ્ય તંત્ર દ્વારા અપાશે.

દરમિયાન લખપતના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભીલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, પોલીસ દ્વારા જ તપાસ કરાઈ હતી. નારાયણસરોવર પોલીસ દ્વારા ડિગ્રી સહિતની અન્ય તપાસણી માટેનો અભિપ્રાય આપી શકે તેવા તબીબની રેઈડ માટે માંગણી કરી હતી. ત્યારે અમારા એક ડોકટરને પોલીસની કાર્યવાહી વખતે મોકલાયા હતા. કાર્યવાહી તમામ પોલીસ કરી હતી, તેથી વધુ વિગતો પોલીસ જ આપી શકે તેમ છે.

બંને તંત્રો વિગતો આપવામાં ખો – ખોની રમત રમી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે કશુક રંધાતું હોવાની આશંકાઓ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોનું માનીએ તો રવિવારે બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી નવસર્જન હોસ્પિટલ અને તેના મેડિકલ સ્ટોર પર તપાસ કરાઈ હતી. અને આખું ગામ જાણે ભેગુ થઈ ગયું હતું. ભારે હાહો થઈ ગયા બાદ પણ તપાસમાં કોથળામાંથી બિલાડું નિકળ્યા જેવો તાલ સર્જાયો છે. ત્યારે આરોગ્ય તંત્ર અને પોલીસની કામગીરી સામે સવાલો ઉદ્દભવી રહ્યા છે.