પાનધ્રો લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના

પાવર પ્રોજેક્ટના યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈએથી ધડામ દઈને નીચે પડ્યું : સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં, પરંતુ લાખોની નુકસાનીની શક્યતા : પાવર પ્રોજેક્ટ જવાબદાર અધિકારીઓએ ઘટનાને સામાન્ય ગણાવી

દયાપર : લખપત તાલુકાના પાનધ્રો ખાતે આવેલ કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટમાં આજે સવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાવર પ્રોજેક્ટ યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈએથી ધડામ દઈને નીચે પડ્યું હતું. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લાખોની નુકસાનીના અહેવાલો સાપડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાન્ધ્રો સ્થિત કચ્છ લિગ્નાઈટ પાવર પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાયો હતો. પાવર પ્રોજેક્ટના યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈથી નીચે પટકાયું હતું. વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બનતા કોઈ કર્મચારી ન હોવાથી જાનહાની થઈ  ન હતી, પરંતુ ચાર નંબરના યુનિટમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું જાણકારો કહી રહ્યા છે. અકસ્માતને પગલે યુનિટ નં.૪ ઠપ્પ થઈ ગયું છે. આ અંગે કચ્છ થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ ચીફ એન્જિનિયર બી.ટી.કન્નર  સાથે સંપર્ક કરતા તેમણે સમગ્ર ઘટનાને હળવાશથી લીધી હોય તેમ વાત કરી હતી. તેમણે વહેલી સવારે ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ કોઈ જાનહાની થઈ હોવાનું કહ્યું હતું. ઘટનામાં મોટા પ્રમાણમાં નુકશાની થઈ હોવાનું પુછતા તેમણે કહ્યું હતું કે, એવું કશું નથી, પરંતુ અમારા દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ છે. બનાવને પગલે ચાર નંબરનું યુનિટ બંધ થઈ ગયું હોવાનું પુછતા તેમણે કહ્યું હતું કે, હા આ ઘટનાને કારણે યુનિટ શટડાઉન થયું છે. ત્યારે આ યુનિટ પૂર્ણ કાર્યરત થશે તે અંગે પુછતા જવાબદાર અધિકારી જવાબ આપી શક્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, પાનધ્રો સ્થિત લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટમાં અવાર-નવાર આ પ્રકારના અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અવાર-નવાર અહીંના યુનિટો બે-ત્રણ દિવસ કે અઠવાડિયા સુધી બંધ રહે છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા નવી એજન્સીઓ અને આવડત ધરાવતા ઠેકેદારોને કામ સોંપી દેતા આવા બનાવો અવાર-નવાર બની રહ્યા હોવાનું જાણકારો કહી  રહ્યા છે.