પાટણમાં દીપિકા સોસાયટીમાં જર્જરિત મકાનની છત તૂટતા માસૂમનું મોત

(જી.એન.એસ.)પાટણ,પાટણ શહેરના છીડિયા દરવાજા બહાર આવેલી દીપિકા સોસાયટીના એક જર્જરિત મકાનની છત બુધવારની રાત્રે પંખા સાથે સુતા સુતા ટીવી જોઇ રહેલા માસુમ પર પડતા માસુમનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષીય બાળકી અને તેની માતાને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, પાટણ શહેરના છીડિયા દરવાજા બહાર આવેલી દીપિકા સોસાયટીમાં ભાડે રહેતો મારવાડી પરિવાર બુધવારે રાત્રે ટીવી જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જર્જરિત બનેલી મકાનની છત પંખા સાથે ધરાશાયી થતાં સુતા સુતા ટીવી જોઈ રહેલાં માસુમ બાળક સહિત તેની માસુમ બહેન અને માતા ઉપર પડતા માસુમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે નવ વર્ષીય બાળકી અને તેની માતાને પણ માથાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સુમારે છત ધરાશાયી થતાં તેના અવાજને લીધે સોસાયટીમાં રહેતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.