પાકિસ્તાનઃ બસ-ટ્રક અકસ્માત, ૩૦ લોકોના પ્રાણપંખેરૂં ઉડી ગયા

(જી.એન.એસ)કરાંચી,પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં ૩૦ લોકોના મોત થયા છે. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ છે. જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માત મુઝફ્ફરનગરના ડેરા ગાજી ખાનની નજીક તનુસા રોડ પર થયો.મીડિયા રિપોર્ટસના મતે બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓફિસર ડૉ.નૈય્યર આલમે કહ્યું કે બસમાં ૭૫ પેસેન્જર સવાર હતા. તેમાંથી મોટાભાગના મજૂર હતા. જે ઇદના તહેવાર પર રજા મનાવા ઘરે જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઇ રહી હતી. આ વિસ્તારના કમિશ્નર ડૉ.ઇરશાદ અહમદે કહ્યું કે સ્થળ પર રાહત અને બચાવ ટીમ પહોંચી ગઇ હતી.
મૃતકોના મૃતદેહ અને ઘાયલોને ડેરા ગાજીખાન વિસ્તારની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે તેમની આ ઘટના પર સતત નજર છે.