ભુજ : કોરોના સામેની જંગમાં હવે પુખ્ત વયના તમામ લોકોને રસીકરણ કરાશે. શનિવારે પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામને કોવિશિલ્ડ રસી આપવામાં આવશે. તેના માટેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. માટે પુખ્ત વયના તમામ લોકો આવતી શનિવારથી શુકનવંતી શરૂઆત કરી અચુક રસી મુકાવે.સરકાર કોરોના સામેની લડાઈમાં તમામ મોરચે લડે છે. સંક્રમિતોને સારવાર આપવા બેડ, ઓક્સિજન ઈન્જેકશન, દવાની વ્યવસ્થા કરવા ઉપરાંત વેન્ટીલેટરની પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તો કોરોના નથી થયો તેવા લોકોને સંક્રમણ ન થાય અને ચેપ ન લાગે તેવા તમામને રસીકરણ અભિયાનમાં જોડાયા છે. હવે તારીખ ૧-પથી ૧૮ વર્ષથી ઉપરનાં તમામને રસી આપવામાં આવશે ત્યારે કચ્છના સાંસદ, સંતો- મહંતો, મૌલવીઓ સહિતનાઓએ રસીકરણમાં સૌ જોડાય તેવી અપીલ કરી હતી.

કચ્છ પ્રાંતના સૌ હરિભક્તો અચૂક રસી મુકાવે : દેવપ્રકાશદાસ સ્વામી
ભુજ : આગામી પહેલી મેથી ૧૮વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવશે ત્યારે માંડવી સ્વામીનારાયણ મંદિરના સ્વામી દેવપ્રકાશદાસજીએ કચ્છ પ્રાંતના તમામ હરિભક્તોને સરકાર દ્વારા અપાતી કોરોનાની રસી મુકાવાની અપીલ કરાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસો થકી કોરોના સામે લડાઈ ચાલી રહી છે. જેમા સરકારના અથાક પ્રયાસોથી તબક્કાવાર રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે આગામી પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામને રસી અપાશેે. આ રસીકરણ અભિયાનમાં લોકો રસી મુકાવી સ્વરક્ષણ માટેનું એક કદમ આગળ ભરે તેવી અપીલ સ્વામી દેવપ્રકાશદાસજીએ કરી હતી.

ગભરાયા વિના અચૂક રસી મૂકાવો : સ્વામી પ્રદીપ્તાનંદજી
ભુજ : કોરોના સામે લડાઈમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને રસી આ ત્રણ શસ્ત્રો ત્રિશુળની કામગીરી કરે છે. ત્યારે સરકારના પ્રયાસોથી હાલ ચાલતા રસીકરણના અભિયાનમાં જે લાયકાત ધરાવતા હોય તેવા તમામ લોકો અચુક રસી અપાવે તેવી અપીલ આર્ષ અધ્યન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીએ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રસી શરીરમાં કોરોનાને ફેલાતો અટકાવે છે. સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે રસીકરણની ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે લોકો પણ કોરનાની જંગમાં જોડાઈ કોઈપણ અફવા કે ગેર માર્ગે દોરાયા વિના અવશ્ય રસી મુકાવે, સરકાર અને મોટા મોટા તબીબો જણાવે છે કેે, રસીની કોઈ આડ અસર નથી રસીનું કામ જ રક્ષણ કરવાનું છે ત્યારે આ રક્ષા કવચ લેવા તેમણે અપીલ કરી હતી.

માસ્ક,સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ અને રસી અનિવાર્ય : મૌલાના અબ્દુલ લતીફ
ભુજ : શહરમાં આવેલી છડીદાર મસ્જિદના ખાદીમ મૌલાના અબ્દુલ લતીફ ઓઢેજાએ પણ દેશમાં વકરેલી કોરોના મહામરીને નાથવા સરકાર દ્વારા ચાલતા પ્રયાસમાં સૌ બિરાદરો સાથ આપે તેવી અપીલ કરાઈ હતી. તેમણે ઉમેર્યુ હતુ કે, કોરોના કાળમાં માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ અનિવાર્ય છે. તેવી જ રીતે વેક્સીન પણ જરૂરી છે. ઈસ્લામ પણ કહે છે કે, આપણે આપણી સુરક્ષા અને બચાવ માટે બનતા તમામ પ્રયાસ કરવા જોઈએ. અલ્લાના રસૂલે પણ ઈજાજત અપી છે. ત્યારે સરકારે હવે ૧૮ વર્ષથી ઉપરના તમામને રસી આપવાનું શરૂ કર્યુ છે. આગામી પહેલી મેથી દરેક બિરાદરો રસી અપાવે. અગાઉ પણ જો કોઈએ રસી ન મૂકાવી હોય તો અવશ્ય રસી લઈને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપે તેવુ મૌલાનાએ ઉમેર્યુ હતુ.

અગાઉ શીતળાની જેમ હવે કોરોનાની રસી મુકાવો : કિશોરદાસજી મહારાજ
ભુજ : અહીંના કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજે પણ સૌને કોરોનાની રસી મૂકાવાની અપીલ કરી હતી. પોતે વિદેશ પ્રવાસે હોવા છતાં કચ્છની ચિંતા સેવીને કચ્છીઓને કોરોના સામેની લડાઈમાં જરા પણ ગાફેલિયત રાખ્યા વિના લડવાની અપીલ કરી હતી. અગાઉ જે રીતે શીતળાની રસી અપાતી, તેમજ હાલ પોલીયોના ડોઝ અપાય છે, નાના બાળકોને ત્રિગુણી રસી અપાય છે તેવી જ રીતે બીલકુલ ગભરાયા વિના કચ્છના લોકો રસી મુકાવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જે રીતે રસીકરણ ઝુંબેશમાં પોતે રસી લઈને લોકોને અપીલ કરે છે અને રસીથી કોઈ આડ અસર નથી તેવું નિષ્ણાંતોએ પણ કહ્યું છે ત્યારે રસી લેવીએ આપણી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બને છે અને હવે તો ૧૮ વર્ષથી ઉપરના તમામને રસી અપાશે તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે ત્યારે તમામ લોકો વિના સંકોચે રસી મુકાવે તેવું કિશોરદાસજી મહારાજે ઉમેર્યું હતું.

રસી લેવામાં કોઈ ગફલત ના કરશોઃપીર સૈયદ સાજનશા મસ્જિદ
ભુજ : કોરોના મહામારીએ વિશ્વ અને દેશને ભરડામાં લીધો છે ત્યારે આ મહામારીને અલ્લાહ-તાલા દેશ અને દુનિયામાંથી નાબૂદ કરે તેવી દુવા પીર સૈયદ સાજનશા મસ્જિદના મુત્વલી સૈયદ હુસેનશા બાપુ અને મૌલાના સલીમ ચાકીએ કરી હતી. તેઓએ તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને રસી લેવામાં ગફલત ન કરવાનું કહ્યું હતું. આ મહામારી દેશ અને દુનિયામાં ફેલાઈ છે ત્યારે તેનો સામનો કરવા રસીકરણ કરાવવું જરૂરી છે. કોરોના સામેની લડાઈમાં માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રસીકરણ પણ એક અકસીર ઉપાય છે ત્યારે સૌ મુસ્લિમ બિરાદરોને પણ તેમણે રસી મુકાવા માટેની ખાસ અપીલ કરી હતી.

કોરોનાને રોકવા વેક્સીનનો બહુ મોટો હિસ્સો : જનાર્દનભાઈ દવે
ભુજ : હાલ ચાલતી કોરોના માહામરીના સંક્રમણને અટકાવવા માટે સૌએ સાથે મળીને પહેલ કરવી અનિવાર્ય છે. ત્યારે ભુજના આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ કહ્યુ હતુ કે, કોરોનાને અટકાવવા વેક્સીન બહુ મોટો હિસ્સો છે, અને અતિ આવશ્યક છે. ત્યારે સૌ કોઈ રસી મૂકાવે. સરકાર દ્વારા રસીકરણ માટેની આટલી મોટી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આપણે સૌ તેનો લાભ લઈએ. હવે ૧૮ વર્ષથી ઉપરના તમામને રસકાર દ્વારા નિઃશુલ્ક રસી અપાશે. ત્યારે સૌ રસી લે, રસી લેવાથી આજ નહિ તો કાલ આપણે કોરોનાને અટકાવી શકીશુ. રસી લેવાથી કોરોના મોટી મહામારી બનતા અટકશે, આપણે લોકોના જીવ બચાવી શકીશુ. ત્યારે રસીકરણની ઝુંબેશમાં સૌ જોડાય તેવી તેમણે અપીલ કરી હતી.

દેશ રસીથી કોરોના મૂક્ત બને તેવી દુઆ : સૈયદ અહેમદશા અલ હુસેની
ભુજ : કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ ચાંદ કમીટીના પ્રમુખ સૈયદ અહેમદશા અલ હુસેનીએ પણ તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને અચૂકપણે રસી મુકાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીથી રક્ષણ મેળવવા રસી જરૂરી છે.આ જીવલેણ બીમારી દેશ અને દુનિયામાં ફેલાઈ છે ત્યારે આપણે તેની સામે લડવાનું છે. જેમાં આગામી ૧-પ થી ૧૮ વર્ષથી ઉમરના તમામને સરકાર દ્વારા નિઃશુલ્ક રસી અપાઈ રહી છે તો તે લોકો અચૂક દેવડાવે અને દેશ તેમજ દુનિયામાંથી કોરોના નાબૂદ થાય તેવી દુઆ તેમણે કરી હતી.

વેકસીન લેવાને કારણે મૃત્યુથી બચી શકાય છે : ઉત્તમચરણદાસજી
ભુજ : અહીંના નૂતન સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજીએ પણ તમામ હરિભક્તો અને કચ્છીઓને કોરોનાની રસી લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીના પ્રયાસોથી નિઃશુલ્કપણે રસી અપાઈ રહી છે. આપણા વૈજ્ઞાનિકોએ બનાવેલી રસી સંપૂર્ણ વિશ્વસનીય છે. વડાપ્રધાને ખુદ રસી લીધી છે અને લોકોને અપીલ કરી છે. જેના કારણે રસીકરણ ઝુંબેશને જબરદસ્તી પ્રતિસાદ મળ્યો છે. રસીના બન્ને ડોઝ લીધા બાદ ૯૯.૯૯ ટકા મૃત્યુથી બચી શકાય છે. વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારીને નાબુદ કરવા રસી જ શ્રેષ્ઠ ઉપાય છે. ભારતભરમાં અપાતી કોરોનાની રસી કારગર અને અસરકારક પણ છે, તેથી સૌ હરિભક્તો વિના સંકોચે રસી મુકાવે અને કોરોના સામેનું સુરક્ષા કવચ બાંધી લે તેવી અપીલ સ્વામી ઉત્તમચરણદાસજીએ કરી હતી.

રસી મુકાવો, કોરોના ભગાવોઃસાંસદ વિનોદ ચાવડા
ભુજ : કોરોના મહામારી વચ્ચે સરકાર વિવિધ મોરચે લડી રહી છે સંક્રમિતોની સારવાર અને જેઓને કોરોના થયો નથી તેઓ થાય પણ નહિ તે માટે કોરોનાના રસીકરણની ઝુંબેશ કચ્છભરમાં ચાલી રહી છે ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ તમામ કચ્છીઓ, ગુજરાતીઓને રસી અપાવવા અપીલ કરી હતી. આગામી પહેલી મે થી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાશે. જેથી વહેલી તકે લોકો રજીસ્ટ્રેશન કરાવીને અચુકપણે રસી મુકાવે. સરકાર દ્વારા કોરોનાને મ્હાત આપવા વિવિધ મોરચે લડાઈ લડાય છે ત્યારે આ લડાઈમાં સૌ કચ્છીઓ દેશવાસીઓ સહભાગી બને તેવી અપીલ તેમણે કરી હતી. રસીથી કોઈ આડ અસર થતી નથી તો કોઈપણ ગેરમાન્યતા કે અફવામાં આવ્યા વિના ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો અવશ્ય રસી મુકો. જેટલું ઝડપથી રસીકરણ થશે તેટલી ઝડપથી આપણે કોરોનાને ભગાડી શકીશુ માટે સૌ રસી મુકાવો કોરોનાને ભગાવો તેવી અપીલ સાંસદ વિનોદ ચાવડાએ કરી હતી.