પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ૨૫૩ હથિયારી પુરૂષ લોકરક્ષક જોડાયા

દોઢ વર્ષની તાલીમ પુર્ણ થતાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો શપથ ગ્રહણ સમારોહ કોવિડના કારણે સાદગીપુર્વક શપથ સમારોહ યોજાયો

એસપી સૌરભસિંઘે કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી જવાનોને પોતાની ફરજ બજાવવા શપથ લેવડાવ્યા

(બ્યુરો દ્વારા)ભુજ : પશ્ચિમ ક્ચ્છ પોલીસ દળમાં આજથી રપ૩ હથિયારી પુરૂષ લોકરક્ષક જોડાયા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતી તાલીમ પુર્ણ થતાં આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓને જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ડ્યુટી સોંપવામાં આવશે.
આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હથિયારી પુરૂષ લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે યોજાતા શપથ ગ્રહણ સમારોહમાં તાલીમાર્થીઓ તેમજ તેમના પરીવારજનો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. પરીવાર માટે શપથ ગ્રહણની આ ક્ષણ ઘણી મહત્વની હોય છે. જો કે કોરોના વાયરસના કારણે હાલમાં સરકાર દ્વારા કડક પ્રતિબંધો અમલી બનાવાયા છે. જેથી કોવિડ પ્રોટોકોલનું પાલન કરી સરકારી ગાઈડલાઈન પ્રમાણે શપથ લેવડાવ્યા હતા તેમજ પરેડ પણ યોજવામાં આવી હતી. સૌ તાલીમાર્થીઓએ માસ્ક પહેરી પરેડ યોજી હતી અને શપથ લીધા હતા. પોલીસ વડા સૌરભસિંઘે પોલીસ વિભાગમાં નવનિયુક્ત થયેલા પોલીસ લોકરક્ષક જવાનોને કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી પોતાની ફરજ બજાવવા માટે શપથ લેવડાવ્યા હતા. સોશીયલ ડિસ્ટન્સ તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી નિયુક્ત થયેલા પુરૂષ હથિયારી લોકક્ષરક બેચના રપ૩ જવાનોનુું શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું કે, હથિયારી પુરૂષ લોકરક્ષકની દોઢ વર્ષની તાલીમ પુર્ણ થઈ છે જેથી તેઓનો શપથ ગ્રહણ સમારોહ આજે ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. કોવિડના કારણે સાદાઈથી શપથ લેવડાવાયા છે તેમજ પરેડ પણ યોજવામાં આવી હતી. આજથી આ જવાનો પોલીસ ખાતામાં જોડાયા છે. આજના સમારોહમાં રપ૩ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. શપથ પુર્ણ થતાં આ તાલીમાર્થીઓને હથિયારી પુરૂષ લોકરક્ષક તરીકે જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ હેડ કવાર્ટરમાં ડ્યુટી સોંપવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં હેડ કવાર્ટર ડીવાયએસપી શ્રી દેસાઈ, ભુજ ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતના હાજર રહ્યા હતા.