પશ્ચિમ કચ્છના કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું ઓધવરામ કોવિડ કેર સેન્ટર

સંસ્થાના માનવીય અભિગમ અને સરકારશ્રીના પ્રયાસોથી અનેક દર્દીઓ બન્યા સ્વસ્થ : ધાર્મિક સંગીત અને હૂંફ દ્વારા દર્દીઓનું મનોબળ મજબૂત કરતા સંસ્થાના સ્વયંસેવકો

કચ્છમાં કોરોનાનો કેર વધતાં કચ્છની અને ખાસ કરીને અબડાસા, લખપત અને નખત્રાણા આ ત્રણ અંતરીયાળ તાલુકામાં તાલુકાના દર્દીઓને ઘરઆંગણે સારવાર મળે તે માટે સરકારને મદદરૂપ થવાના આશયથી ઓધવરામ કોવિડ કેર સેન્ટર શ્રી વાલરામજી મહારાજ સહયોગી સંસ્થા ઓધવરામ સત્સંગ મંડળ-રાતાતળાવ તથા ભારતગૃપ દ્વારા શરૂ કરવામાં આવ્યું. માર્ચ ૨૦૨૧ થી સમગ્ર ભારત સાથે કચ્છમાં પણ કોવિડ-૧૯ની બીજી લહેરે પોતાનો પ્રકોપ વર્તાવતા અબડાસા, લખપત અને નખત્રાણા આ ત્રણેય તાલુકામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થવા લાગ્યા. કચ્છના મેઇન સેન્ટર ભુજમાં પણ અન્ય તાલુકાઓમાંથી દર્દીઓનો ઘસારો ન વધે તે હેતુથી સ્થાનિક લેવલે કોરોનાની સારવાર ઉભી કરવી અનિવાર્ય હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા અબડાસા, લખપત અને નખત્રાણાના લોકોને ઘર આંગણે  કોવિડ-૧૯ના દર્દીઓને સારવારની સગવડની મળી રહે તે હેતુસર કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ – રાતાતળાવ અને ભારત ગૃપ નલિયા દ્વારા સંચાલિત ઓધવરામ કોવિડ કેર સેન્ટરને તા. ૮/૪/૨૦૨૧ના રોજ ગુજરાત સરકારના સહયોગથી ૮૨ બેડ સાથે કાર્યરત કરવામાં આવ્યું. તાત્કાલિક ધોરણે કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ફાયર સેફટી અને ઓક્સિજન લાઇન લાઈન તેમજ અન્ય સાધન સામગ્રી વસાવવાની જરૂરિયાત જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સંસ્થાના પ્રતિનિધિઓને જણાવી અને સંસ્થા દ્વારા તાત્કાલિક ધોરણે એક અઠવાડીયાથી ઓછા સમયમાં સમગ્ર બિલ્ડીંગમાં ફાયર સેફટી અને ૬૦ બેડ માટે ઓક્સિજન લાઇન તેમજ અધિકારીઓની સૂચના મુજબની અન્ય સાધન સામગ્રી વસાવી લિધી અને આમ તા. ૧/૫/૨૦૨૧ થી કોવિડ કેર સેન્ટરને અપગ્રેડ કરી ૬૦ બેડ ઓક્સિજન લાઇન વાળા, ૫૦ બેડ સાદા અને ૫૦ બેડ મેડીકલ સ્ટાફ તેમજ મેનેજમેન્ટ માટે ફાળવી કુલ્લ -૧૬૦ બેડની ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ધમધમાટ કરતું થઇ ગયું. સંસ્થાએ દાતાઓનો સહયોગ લઈ પાંચ બાયપેપ મશીન વસાવ્યા છે તેમજ ક્રિટીકલ પેશન્ટ માટે ઓક્સિજન લેવલ જળવાઈ રહે તે માટે અન્ય મેડીકલ ઉપકરણ પણ વસાવેલ છે. હાલ આ ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં એમ.બી.બી.એસ. ડૉકટર-૨, ફિઝિયોથેરાપીસ્ટ ડૉકટર-૧, ડેન્ટીસ્ટ ડૉકટર-૧, આયુશ ડૉકટર-૧, રેસીડેન્સ એમ.બી.સી.એસ. ડૉકટર-૧, ઓક્સિજન લાઇન ઓપરેટર-૪, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર-૧ અને અન્ય સ્ટાફ મળી કુલ્લ ૩૨ જણાનો મેડીકલ સ્ટાફ સેવા આપી રહ્યો છે. ઓક્સિજનની વ્યવસ્થા માટે ૪ ડ્રાયવર અને ૪ હેલ્પર સાથે ૨ વ્હીકલ ૨૪×૭ કલાક કાર્યરત રહે છે. દર્દીઓને ડૉકટરોની સલાહ મુજબ દરરોજ વહેલી સવારે ઉકાળો, ત્યારબાદ ચા અને ગરમ નાસ્તો આપવામાં આવે છે. ભોજન પહેલા દર્દીઓને ફ્રુટ કે જ્યુસ આપવામાં આવે છે. બપોરે પૌષ્ટીક આહારનું ભોજન આપવામાં આવે છે. બપોરે ચા, કોફી અને હળવો નાસ્તો ત્યાર બાદ સાંજે લીંબુપાણી કે જ્યુસ આપવામાં આવે છે અને રાત્રે ભોજન અને ત્યાર બાદ દરેક દર્દીને હળદરવાળું દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત આ સિવાય પણ દર્દીઓ દ્વારા નાસ્તો કે ફુટની માંગણી કરવામાં આવે તો તાત્કાલિક તે પૂર્ણ કરવામાં આવે છે. જમવા સમયે હાજર દર્દીઓના સગા સબંધીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેનું સમગ્ર સંચાલન વસંતભાઇ ડી. ભાનુશાલી દ્વારા કરવામાં આવે છે. આ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરના પ્રાંગણમાં સંસ્થા દ્વારા સવાર સાંજ દર્દીઓ ધાર્મિક સંગીત સાંભળી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવેલ છે જેથી દર્દીઓનું મનોબળ મજબુત કરી તેમની અંદર હકારાત્મકતાનો સંચાર કરી શકાય. ઉપરાંત દર્દીઓ સમ્પૂર્ણ સ્વસ્થ થતા જરૂરિયાત મુજબ સંસ્થા પોતાની ગાડીમાં દર્દીઓને પોતાના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે છે. સંજોગો વસાત કોઇ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ પામે તો તેમના દર્દીના સ્વજનોને સાથે રાખી કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધી થઇ શકે તે માટેની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા  કરવામાં આવી છે. આ કાર્ય વિપુલ લાલજી ભાનુશાલી તેમજ લુહાર જુસા ઇબ્રાહીમ અને પ્રેમજીભાઇ કોલી તથા અન્ય સ્વયં સેવકો સાથે સંભાળે છે. સમગ્ર વહીવટ કનૈયાલાલ ભાનુશાલી અને કૈલાશ ગોસ્વામી સંભાળે છે. કોવિડ-૧૯ની બીજી લહેરમાં અત્યાર સુધી કુલ ૨૮૧ દર્દીએ સારવાર લીધી છે, આમ અત્યાર સુધી કુલ્લ ૫૮૧ જેટલા દર્દીઓએ અત્રે સારવાર લીધી છે અને હાલમાં પણ ૬૦ જેટલા દર્દીઓ ઓધવરામ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઓધવરામ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરનું સરકારી વહીવટ દાતાઓ સાથે સંકલન અને સમગ્ર મેનેજમેન્ટ શ્રી મનજી બાપુના માર્ગદર્શન હેઠળ ભારત ગ્રુપના છત્રસિંહ જીવણજી જાડેજા દ્વારા કરવામાં આવે છે. તેમજ બહારના દાતાશ્રીઓ સાથે સંકલનનું કાર્ય હરીભાઇ ભાનુશાલી કરી રહ્યા છે. કોવિડ-૧૯ની પ્રથમ લહેરમાં આ કોવિડ કેર સેન્ટર અંદાજીત ત્રણ મહિના કાર્યરત રહેલ અને ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર લઇ તંદુરસ્ત થયા હતા .કચ્છ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ  પણ આ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. અહીંથી સારવાર લઇ સાજા થયેલા દર્દીઓ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓના વખાણ કરતા થાકતાં નથી. તેમનાં જણાવ્યા અનુસાર સંસ્થા માનવીય અભિગમ કેળવી દર્દીઓને પોતાપણું લાગે તેવો માહોલ ત્યાંનો છે.ઘરથી પણ વિશેષ અનુભવ અમને અહીં થયો છે તેવું પણ તેઓ જણાવે છે . આ તકે સંસ્થાપક શ્રી મનજી બાપુ જણાવે છે કે, સરકારશ્રીને અમે સહકાર આપવા હમેશાં પ્રયત્નશીલ છીએ. આ ઓધવરામ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર સંસ્થા, દાતાઓના સહયોગથી આવનાર કોઇપણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા અને આ ત્રણેય તાલુકાની પ્રજાને સ્થાનિકે જ કોવિડ-૧૯ની બિમારી સામે સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે તત્પર છે. જે માટે ૧૮ બેડનું આઇ.સી.યુ.ની સગવડવાળુ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે અને જરૂરિયાત જણાય તો ૨૨ બેડવાળા બે અન્ય હોલને પણ આઇ.સી.યુ.માં કાર્યરત કરી શકાય એમ છે તેવું તેમણે જણાવ્યું હતું.