પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ધ હરિયાણા પોલીસે એફઆઇઆર નોંધી

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ધ હરિયાણા પોલીસે એફઆઇઆર નોંધી

(જી.એન.એસ.)ચંડીગઢ,ટીમ ઈન્ડિયાને ૨૦૦૭નો ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનો ફાળો આપનારા ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની મુશ્કેલી વધી છે. વર્ષ ૨૦૨૦માં યુવરાજે દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિશે હરિયાણા પોલીસે હવે એફઆઈઆર નોંધાવી છે. દલિત માનવ અધિકારના વકીલ અને કન્વીનર રજત કલસનની ફરિયાદના આધારે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.રિપોર્ટ મુજબ, યુવરાજ સામે ૮ મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે હવે તેના પર કાર્યવાહી કરી છે. આ એફઆઈઆર હિસારના હંસી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવરાજ પર આઈપીસીની કલમ ૧૫૩, ૧૫૩ એ, ૨૯૫, ૫૦૫ અને એસસી / એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.૧ જૂન, ૨૦૨૦ના રોજ ક્રિકેટર રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં યુવરાજસિંહે અનુસૂચિત સમાજ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈ હંગામો થયો હતો. વકીલ રજત કલસને યુવરાજ સિંહની ધરપકડ કરવાની માંગ કરી હતી.