પૂર્વ કચ્છ એસઓજીએ મીઠીરોહરમાંથી  ૧૦ કિલા માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો

પૂર્વ કચ્છ એસઓજીએ મીઠીરોહરમાંથી  ૧૦ કિલા માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો

દુકાનમાંથી ઝડપાયેલા જથ્થાને બી ડિવિઝન પોલીસે એફએસએલ તપાસ માટે મોકલી હાથ ધરી કાર્યવાહી

ગાંધીધામ : સરહદી કચ્છમાં ગાંજો, અફીણ ચરસ સહિતના માદક પદાર્થોનો જથ્થો અવારનવાર ઝડપાય છે. તેવામાં પૂર્વ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી એક દુકાનમાંથી ૧૦ કિલા માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો હતો. જેની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ વી.પી. જાડેજાની રાહબરી હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન  બાતમીને આધારે મીઠીરોહરમાં જય સાઈ કોલ ટ્રેડર્સ પ્રા.લિ. નામની દુકાનમાંથી ૧૦ કિલા ર૬૦ ગ્રામ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો. દુકાન ધરાવતા રાજીવકુમાર સતનામ હસીજા (ઉ.વ.૪૦)ના કબ્જામાંથી આ જથ્થો ઝડપાયો હતો. એસઓજીએ માદક જથ્થો ઝડપ્યા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપતા જાણ જોગ નોંધ દાખલ કરાઈ હતી. જેને પગલે પીઆઈ એસ.એસ. દેસાઈએ આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે પીઆઈ શ્રી દેસાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, માદક પદાર્થનો જથ્થો શેનો છે, તેની તપાસ હાથ ધરાઈ છે. ઝડપાયેલા મુદ્દામાલના સેમ્પલ મેળવીને એફએસએલ તપાસ અર્થે મોકલાયા છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ શકશે કે આ માદક પદાર્થ શું છે. એફએસએલ રીપોર્ટને આધારે જ વિધિવત ગુનો નોંધાશે તેવું તેમણે ઉમેર્યું હતું.