પધ્ધર પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સની કરી ધરપકડ

કુકમામાં ઘરમાં ઘૂસીને બે યુવાનો પર ધોકા – પથ્થર વડે હુમલો કરી રોકડ રકમ અને મોબાઈલની ચલાવાઈ હતી લૂંટ

ભુજ : તાલુકાના કુકમા ગામે સોનલકૃપા સોસાયટીમાં હુમલા સહિત લૂંટની બનેલી ઘટનાનો પધ્ધર પોલીસે ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે મુળ રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી તેના કબજામાંથી લૂંટમાં ગયેલા મોબાઈલ ઉપરાંત અન્ય બે મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત ર૬-૧ના કુકમા ગામે સોનલકૃપા સોસાયટીમાં રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી હીરાભાઈ ભાણજીભાઈ ચારણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરમાં અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ત્રાટકીને તેમના બન્ને પુત્રો ઉપર ધોકા અને પથ્થર વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ ઘરમાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ઘરનો દરવાજો બહારથી બંધ કરીને નાસી ગયા હતા. જે ગુના કામે નોંધાયેલી ફરિયાદના અનડીટેકટેડ ગુનાનો ભેદ ઉકેલીને પધ્ધર પોલીસે હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપી વિજય તોતારામ રાવભટ (ઉ.વ.૩૩)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી રાજકોટ તેમજ અન્ય જુદા જુદા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝડપેલા આરોપીના કબજામાંથી ૩પ૦૦ના ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા.