પધ્ધર પોલીસે કનૈયાબે નજીકથી શરાબ સાથે ત્રણને ઝડપ્યા

એક્ટિવાથી પાયલોટિંગ કરી પાછળ છોટાહાથીમાં ભરાયેલ દારૂનો જથ્થો ઝડપાયો

ભુજ : તાલુકાના કનૈયાબે નજીકથી પધ્ધર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છોટાહાથીમાંથી શરાબના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એક્ટિવા દ્વારા છોટાહાથીનું પાયલોટિંગ કરીને દારૂની હેરફેર કરાતી હતી. જેમાં અંજારના સુગરીયાના બે શખ્સો અને કનૈયાબેના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસનો સ્ટાફ દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કનૈયાબે ગામ તરફથી આવતી એક્ટિવા અને તેની પાછળ છોટાહાથીને ઝડપી પાડી છોટાહાથીમાંથી જુદી જુદી બ્રાન્ડના ઈંગ્લિશ દારૂની 76 બોટલ કબ્જે કરાઈ હતી. પોલીસે દરોડા દરમિયાન નવા સુગરીયાના આરોપી મહેશ ધમાભાઈ મરંડ અને પ્રકાશ ધનજી ગુજરીયા તેમજ કનૈયાબેના મનોજ નુરા કોલીની ધરપકડ કરી હતી. તો અંજારના મહાદેવનગરમા રહેતો આરોપી અલ્પેશસિંહ ઝાલા પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે દરોડામાં 2 લાખનું છોટાહાથી અને 50 હજારની એક્ટિવા મળીને કુલ 2 લાખ 91 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.