પંજાબમાં નાઇટ કર્ફ્યૂનો સમય વધારાયો, માર્ચ મહિનામાં કોરોના કેસમાં ચાર ગણો વધારો

(જી.એન.એસ.)ચંડીગઢ,પંજાબમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવ જિલ્લામાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. નાઇટ કર્ફ્યૂ રાત્રે ૯થી સવારના ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. સીએમએ કહ્યું કે, નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. સાથે જ આ નાઇટ કર્ફ્યૂ સ્થિતિ પર કાબૂ મેળવવા સુધી રહેશે.
પંજાબમાં ૧થી ૧૭ માર્ચ સુધીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ચાર ગણી વધી ગઇ છે. એક માર્ચે ૫૦૦ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ૧૭ માર્ચે ૨૦૪૫ નવા કેસ નોંધાયા હતા. સાથે જ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધી રહી છે. બુધવારે એક દિવસમાં ૩૯ લોકોનાં મોત થયા હતા. છેલ્લા એક મહિનામાં ૩૯૨ લોકોનાં મોત થયા છે.
પંજાબમાં કોરોનાના વધી રહેલાં કેસો અગાઉના રેકોર્ડ તોડી રહ્યાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક દિવસમાં ૨૦૬૭ કેસ સામે આવ્યા હતા અને હવે તે આંકડો માર્ચમાં જોવા મળી રહ્યો છે. એક બાજી કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ પંજાબમાં અત્યાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા ૬૧૭૨ પર પહોંચી ગઇ છે.ફેબ્રુઆરી મહિનામાં પંજાબમાં ૮૭૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે માર્ચમાં દર રોજ એક હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. પંજાબમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીમાં ૩૯૨ મોત થયા છે. જે જોતાં મૃત્યુ દર ૪.૫ ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૯૪ લોકોનાં મોત નિપજ્યાં છે.