નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ અન્વયે : બન્નીના દબાણો દૂર કરવા આજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મિટીંગ : કામગીરી અંગે ઘડાશે વ્યુહરચના

બન્નીના ચરિયાણ વિસ્તારમાં ખેતીના નામે થયેલા દબાણો છ મહિનામાં દૂર કરવાના એનજીટીના આદેશથી તંત્ર એક્શનમાં : પ્રાંત, મામલતદાર, પંચાયત, ફોરેસ્ટ, પોલીસ, ડીઆઈએલઆર સહિતના વિભાગોની હાજરીમાં તૈયાર કરાશે બ્લુપ્રિન્ટ

ભુજ : એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે ખ્યાતિ મેળવનાર બન્ની પ્રદેશમાં પાછલા કેટલાક સમયથી ખેતીના નામે ચરિયાણ જમીનો પર વાડા બાંધી કબજાે કરી લેવાયો છે. જેથી આ વિસ્તારના લાખો પશુધનને ચરિયાણ માટે મહા મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. માલધારી સંગઠન દ્વારા બન્નીમાં થયેલા દબાણો બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ધા નખાઈ હતી, જેનો ચુકાદો માલધારીઓના હિતમાં આવ્યો છે. એનજીટીએ છ માસમાં બન્નીમાં થયેલા દબાણો દૂર કરવા સુચના આપી હતી, જે અન્વયે જિલ્લા પ્રશાસન અમલવારી માટે એક્શનમાં આવ્યું છે.

આ અંગેની વિગતો મુજબ બન્નીમાં માલધારી સમુદાય વર્ષોથી પશુ ઉછેરનો વ્યવસાય કરે છે. માલધારીઓ ર૦૦૬ના આદિવાસી અને અન્ય પરંપરાગત વન નિવાસી વન અધિકાર કાયદા હેઠળ ચરિયાણનો હક્ક ધરાવે છે, પરંતુ આ વિસ્તારમાં આવેલી ચરિયાણની જમીનો પર વગદારો દ્વારા ખેતીના દબાણો કરી દેવાયા હતા. જેથી પશુઓને ચરિયાણ માટે હાડમારી વેઠવાનો વારો આવતા અનેક માલધારીઓએ હિજરત કરવાની નોબત આવી હતી. ખાસ વાત એ છે કે, અમુક સરકારી કર્મચારીઓ દ્વારા આ દબાણો કરાયા હતા, જેમાં ચરિયાણ જમીનમાં ખેતી કરી આસપાસ ઉંડા ખાડા કરી દેવાતા, જેથી પશુઓ ખેતરમાં આવે નહીં પરંતુ ખાડામાં પડી જવાથી અનેક અબોલા જીવોએ જીવ ગુમાવ્યા હતા. મોડસ ઓપરેન્ડી એવી હતી કે, અમુક સરકારી કર્મચારીઓ દબાણ કરી લેતા બાદમાં વાવેતર માટે સ્થાનીકે વગદાર અથવા બહારના જિલ્લાઓમાંથી મજૂરોને બોલાવી વાવેતર કરતા હતા. તાજેતરમાં વન વિભાગ અને ડીઆઈએલઆર દ્વારા માપણી કરી બન્નીની હદ પણ નક્કી કરી દેવાઈ છે, જેથી બન્નીની હદ વિસ્તારમાં ચરિયાણ જમીનો પર બિનઅધિકૃત કબજાે થયો હશે તો તેને દૂર કરવામાં આવશે.

આ બાબતે આસિસ્ટન્ટ કલેકટર મનીષ ગુરવાનીએ ‘કચ્છઉદય’ સાથે વાત કરતા જણાવ્યું કે, એનજીટી દ્વારા છ મહિનામાં બન્ની વિસ્તારમાં દબાણ દૂર કરવા સુચના અપાઈ છે, જે અન્વયે આજે જિલ્લા કલેકટર દ્વારા મિટીંગ બોલાવવામાં આવી છે. જેમાં બન્નીમાં દબાણો કઈ રીતે દૂર કરવા તેની વ્યુહરચના નક્કી કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં મિસરીયાડો, સુમરાસર (શેખ) સહિતના ગામોમાં ખેત વિષયક દબાણો સંયુક્ત કાર્યવાહીથી હટાવાયા છે. તેવી રીતે હવે મામલતદાર, ફોરેસ્ટ વિભાગ, ડીઆઈએલઆર, તાલુકા પંચાયત, પોલીસ પ્રશાસન સહિતનાઓને સાથે રાખી સંયુકત કાર્યવાહી કરી બન્નીમાં મોટા દબાણો હટાવવામાં આવશે.