નિખિલ દોંગા કેસનો રેલો જેતપુર સુધી લંબાયો : ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીને ઉઠાવ્યો

પશ્ચિમ કચ્છ પોલીસે કેસ સંદર્ભેની તપાસમાં ૮થી ૧૦ લોકોને પુછપરછ માટે બોલાવ્યા છે : જે.એન.પંચાલ (ડીવાયએસપી, ભુજ)

ભુજ : ભુજમાંથી ગુજસીટોકના ગુન્હા હેઠળનો ખુંખાર આરોપી નીખીલ દોંગા ફરાર થઈ જતા પશ્ચીમ કચ્છ પોલીસ સહિતની એજન્સીઓએ સંકલનરૂપ કામગીરી કરી અને આ શખ્સને નૈનિતાલથી ઝડપી લીધા બાદ હવે ચાલી રહેલી તપાસમાં રોજ બરોજ નીતનવા ખુલાસાઓ થવા પામી રહ્યા છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર નીખીલ દોગાને હોસ્પિટલમાંથી ભગાડી જવામાં મદદરૂપ થનારા શખ્સો તથા તેના કનેકશનમાં આવેલા કે પછી તેના ફેાન ડીટેઈલ્સ સહિતનાઓને એક પછી એક હવે ભુજ પોલીસ પુછપરછ માટે લાવી રહી છે તે દરમ્યાન જ જેતપુર શહેર ભાજપના મહામંત્રીને પણ ભુજ પોલીસે પુછપછર માટે ઉઠાવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોકના ગુનાના કુખ્યાત શખ્સ નિખિલ દોંગાના કેસમાં પોલીસ દ્વારા તપાસ તેજ બનાવાઈ છે. આ કેસમાં જી.કે. હોસ્પિટલમાં મેડિકલ ડેટાના રેકર્ડ મેનેજરની ધરપકડ બાદ તેને રિમાન્ડ પર લેવાયો છે તો નવી વિગતો એ સામે આવી છે કે, જેતપુર શહેર ભાજપના મહામંત્રી સહિત ૮થી ૧૦ શખ્સોને પશ્ચિમ કચ્છ પોલીસે પુછપરછ માટે ઉઠાવ્યા છે. મળતી વિગતો અનુસાર જી.કે. જનરલ હોસ્પિટલમાં કેદી જાપતામાંથી નાસેલા ગુજસીટોકના કુખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગાના કેસમાં પોલીસે તપાસ તેજ બનાવી છે. જેમાં તપાસનીશ અધિકારી ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નિખિલ દોંગાના કેસ સંદર્ભે ૮થી ૧૦ શખ્સોને તપાસ માટે લાવવામાં આવ્યા છે જે લોકો સાથે આરોપી અને તેના સાગરીતો સંપર્કમાં હતા તેવા લોકોના નિવેદનો લેવા માટે બોલાવાયા છે. જેમાં જેતપુર શહેર ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાને પુછપરછ માટે ઉઠાવાયા હોવાનું સામે આવવા પામ્યું છે. જેતપુર ભાજપના મહામંત્રીને તપાસ અર્થે ઉઠાવાતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. તેમજ રાજકીય રીતે પણ સમગ્ર મામલે ગરમાવો આવી ગયો છે ત્યારે જોવાનું એ છે કે, આ કેસના તાર હજુ ક્યાં સુધી વિસ્તરે છે.