નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ થયા કોરોનાથી સંક્રમિત

(જી.એન.એસ)અમદાવાદ,રાજ્યમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૪ જ દિવસમાં ૫૦ હજારથી વધુ કેસ અને ૫૦૦ લોકોના મોત થયા છે. નીતિન પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.હાલમાં અમદાવાદની સરકારી હોસ્પિટલ યુ એન મહેતામાં ડેપ્યુટી સીએમને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. આજે કોરોનાના એક્ટિવ કેસ એક લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે લડવૈયાઓ પણ ઘાયલ થઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રાજનેતાઓને પણ તેના ભરડામાં લઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થઈ ચુક્યા હતા. તે દરમિયાન રાજ્યનો કારભાર નાયાબ મુખ્યમંત્રી નિતિન પટેલે સંભાળ્યો હતો. સીએમ રૂપાણી સાથે મળીને સતત કોરોના સામેની લડાઈને જીતવા માટે મથામણ કરતા નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા પોઝિટીવ ૧૩૮૦૪ કેસ નોંધાયા છે. જ્યારે ૫૬૧૮ દર્દીઓ સ્વસ્થ થયાં છે. કોરોનાથી રાજ્યમાં ૧૪૨ દર્દીના મોત થયા હતા. રાજ્યમાં દરરોજ કેસ વધી રહ્યા છે અને રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. શુક્રવારે રિકવરી રેટ ૭૭.૩૦ ટકા થયો હતો.